સાતમા તબક્કામાં અત્યાર સુધીમાં 58.34% મતદાન, જાણો ક્યા રાજ્યમાં કેટલું વોટિંગ
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
Live : Elections Live Updates
7માં તબક્કામાં બપોરે 5 વાગ્યા સુધી 58.34% મતદાન,
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 58.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ ઝારખંડમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.
હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં યોગદાન આપશેઃ કંગના રણૌત
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે... હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં મદદ કરશે.
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે મતાધિકારનો ઉપયોગ કરોઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં લખ્યું, 'લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.'
હરભજન સિંહે જલંધર મત આપ્યો
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, 'મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.'
ફરી મોદી સરકાર બનશે - યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, 'આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો સહિત 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.'
કયા તબક્કામાં કેટલું મતદાન થયું?
• પ્રથમ તબક્કો (એપ્રિલ 19): 66.14%
• બીજો તબક્કો (26 એપ્રિલ): 66.71%
• ત્રીજો તબક્કો (7 મે): 65.68%
• ચોથો તબક્કો (મે 13): 69.16%
• પાંચમો તબક્કો (મે 20): 62.2%
• છઠ્ઠો તબક્કો (25 મે): 63.36%
લોકસભા 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ
ઓડિશાની બાકીની બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન
આ ઉપરાંત ઓડિશાની બાકીની 42 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. તેની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ થયું છે. આજે અનુરાગ ઠાકુર, કંગના રણૌત, લાલુપુત્રી મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ પણ સીલ થશે. આજે 5.24 કરોડ પુરુષ અને 4.82 કરોડ મહિલા મતદારો સાથે કુલ 10.06 કરોડ લોકો મતદાન કરશે. દેશના કુલ 1.09 લાખ મતદાન મથકો પર મતદાન થશે.
આ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થશે
વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે લડનારા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય, બીએસપીના એથર જમાલ લારી, યુગ થુલાસી પાર્ટીના કોલીસેટ્ટી શિવકુમાર, અપનાદળ (કમેરાવાડી)ના ગગનપ્રકાશ યાદવ, સ્વતંત્ર ઉમેદવાર દિનેશકુમાર યાદવ અને સંજય કુમાર તિવારી મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ચંદૌલી, મહારાજગંજ અને મિરઝાપુર ખાતે કેન્દ્રીય પ્રધાનો મહેન્દ્રનાથ પાંડે, પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે.