આ ચૂંટણીમાં કુલ 96.88 કરોડ મતદારો, 2019ના મુકાબલે 6% મતદારો વધ્યા, જાણો મહિલા-પુરુષ-યુવા મતદાર કેટલા?

આ વખતે 1,65,76,654 મતદારોના નામ રદ કરાયા, પુરુષ યુવાઓ કરતા મહિલા યુવા મતદારોની સંખ્યામાં ધરખમ વધારો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
આ ચૂંટણીમાં કુલ 96.88 કરોડ મતદારો, 2019ના મુકાબલે 6% મતદારો વધ્યા, જાણો મહિલા-પુરુષ-યુવા મતદાર કેટલા? 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે. આ સાથે ચૂંટણી પંચે દેશમાં કુલ કેટલા મહિલા, પુરુષ અને યુવા મતદારો છે, તે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે નોંધાયેલા મતદારોના આંકડા જાહેર કર્યા છે. પંચના જણાવ્યા મુજબ આગામી લોકસભા ચૂંટણી માટે 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ છે.

દેશમાં કુલ કેટલા મતદારો ?

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારોની યાદી જાહેર કરી દીધી છે. પંચે એક જાન્યુઆરી-2024 સુધીના આંકડા જારી કર્યા છે. દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદાર છે. વિશ્વભરમાંથી સૌથી વધુ ભારતમાં મતદારોનો વર્ગ છે. 2019માં આ આંકડો 89.6 કરોડ હતો.

લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ, વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

પુરુષ અને મહિલા મતદારો કેટલા?

દેશમાં પુરુષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં 46.5 કરોડ હતા. જ્યારે મહિલા મતદારો 47.1 કરોડ છે, જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદારોની યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારો પ્રથમવાર લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાગીદાર બનશે. આમાંથી 1.41 મહિલા જ્યારે 1.22 કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આમ નવા પુરુષોના મુકાબલે નવી મહિલા મતદારોની સંખ્યા 15 ટકા વધુ છે.

દેશમાં યુવા અને દિવ્યાંગ મતદારોની સંખ્યા કેટલી ?

ચૂંટણી પંચના ડેટા મુજબ દેશમાં 18-19ની ઉંમરના 1.85 કરોડ યુવા મતદારો છે, જે ગત ચૂંટણીમાં 1.5 કરોડ હતા. 18-19 અને 20-29ની ઉંમરના બે કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. દેશભરમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા 88.35 લાખ છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં 45.64 લાખ PwD મતદારો હતા. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 48,044 નોંધાઈ છે, જે ગત વર્ષે 39.683 હતા.

આવા મતદારોના નામ હટાવાયા

ચૂંટણી પંચે જણાવ્યું કે, ઘરે-ઘરે પહોંચી વેરિફિકેશન કરાયા બાદ મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ યાદીમાંથી કઢાયા છે, જે આંકડો 1,65,76,654 નોંધાયો છે. આમાં 67,82,642 મૃતક મતદારો, 75,11,128 સ્થળાંતર અથવા ગેરહાજર મતદારો જ્યારે 22,05,685 ડુપ્લિકેટ મતદારો સામેલ છે.

19 એપ્રિલથી શરૂ થશે ચૂંટણી, ચોથીએ પરિણામ

  • 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે 
  • 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે 
  • 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે 
  • 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન 
  • 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન 
  • 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન 
  • 01 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન
  • 04 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ




Google NewsGoogle News