ગુજરાતના પાડોશી રાજ્યમાં NDAને નુકસાન તો I.N.D.I.A. ને ફાયદાની શક્યતા, જાણો શું કહે છે ગણિત?

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ગુજરાતના પાડોશી રાજ્યમાં NDAને નુકસાન તો I.N.D.I.A. ને ફાયદાની શક્યતા, જાણો શું કહે છે ગણિત? 1 - image


Lok Sabha Elections 2024: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પૂરા થઈ ગયા છે. અહીંયા પાંચ તબક્કામાં 48 બેઠકો ઉપર મતદાન થયું છે. હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. ત્યારે પરિણામો અંગે વિવિધ અટકળો પણ તેજ થઈ રહી છે. અહીંયા આ વખતે બે જૂથ આમને સામને છે. તેમાં સમીકરણો બદલાઈ ગયેલા છે. આ વખતે એનડીએ અને I.N.D.I.A. ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે. શિવસેના અને એનસીપીનું જે રીતે વિઘટન થયું અને એનડીએ તથા I.N.D.I.A. ગઠબંધન સાથે જે રીતે જોડાણ થયું તેના કારણે મહારાષ્ટ્રના તમામ રાજકીય સમીકરણો ફરી ગયા છે. એક તરફ એકનાથ શિંદે અને તેમની આગેવાની હેઠળની શિવસેના છે જે ભાજપનો સાથી પક્ષ છે. બંનેની હાલમાં એનડીએની રાજ્ય સરકાર છે. લોકસભામાં પણ બંનેએ સાથે જ ચૂંટણી લડી છે. તેમની સાથે એનસીપી પણ છે અજીત પવાર પાસેની પાર્ટી છે. આ રીતે એનડીને ત્રણેય ઘટકો બદલાયેલા છે. બીજી તરફ રાજ્યની સત્તા ગુમાવનારા ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના તથા એનસીપી અને કોંગ્રેસ છે. અહીંયા એનસીપીનું નેતૃત્ત્વ શરદ પવાર કરી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં એનડીએને 10 બેઠકોનું નુકસાન

રાજકીય રીતે શિવસેના અને એનસીપી વિખરાઈ જવાના કારણે કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ મનમેળ રહ્યા નહોતા. તેના પગલે લોકસભામાં પણ નક્કર મુદ્દા અને કામગીરીના બદલે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપની જ ભાષણબાજી ચાલી હતી. અહીંયા જે મુદ્દા છે, તેના વિશે ખાસ કોઈ વાત કરવામાં આવી નહોતી. બીજી તરફ સ્થાનિકોની જે સામુદાયિક અને અન્ય માગણીઓ છે, તેના કારણે પણ વ્યાપક નારાજગી હોય તેવું લાગે છે. અહીંયા સૌથી પહેલાં તો મરાઠાઓની નારાજગીનો જ પ્રશ્ન વ્યાપક હોય તેવું દેખાઈ રહ્યું છે. અહીંયા 28 ટકા વસતી મરાઠાઓની છે. તેઓને લાગી રહ્યું છે કે, એનડીએ સાથેના જોડાણ બાદ મરાઠાઓને અન્યાય થઈ રહ્યો છે. તેઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. અહીંયા મરાઠા અનામતનો મુદ્દો પણ ગાયબ થઈ ગયો છે. તે ઉપરાંત ખેડૂતોમાં પણ વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. કૃષિ સંકટ અને એમએસપી ઉપરાંત ખેડૂત આંદોલનની મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વ્યાપક અસર છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, હાલમાં એનડીએ સામે વાંધો તો દેખાઈ રહ્યો છે પણ ખરેખર મત ગણતરી થાય ત્યારે જ સાચું દ્રશ્ય ઊભું થાય તેમ છે. તેમ છતાં હાલમાં ચૂંટણી દરમિયાન જે રાજકીય અને સામાજિક વાતાવરણ જોવા મળ્યું તે અણસાર આપે છે કે, એનડીએને આ ચૂંટણીમાં અંદાજે 10 બેઠકોનું નુકસાન જશે અને I.N.D.I.A. ગઠબંધનને 10 બેઠકોનો ફાયદો થઈ શકે છે.

મરાઠા સમુદાયની નારાજગી ભારે પડી શકે તેમ છે

રાજકીય જાણકારોના મતે મહારાષ્ટ્રમાં મરાઠાઓની નારાજગી આ વખતે વધારે જોવા મળી રહી છે. વિવિધ મુદ્દે મરાઠા સમુદાય દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના મતે અહીંયા મરાઠાઓની વસતી 28 ટકા છે. અહીંયા આજે પણ મરાઠા અનામતની વાતો ચાલી રહી છે. મરાઠાઓ દ્વારા અનામતનું અભિયાન અધુરું છોડાયું નથી. સમયાંતરે આ મુદ્દો તુલ પકડતો રહે છે. તે ઉપરાંત મહારાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં સહકારી મંડળીઓ નબળી પાડવામાં આવી છે. મરાઠાઓ માને છે કે, આ ક્ષેત્રમાં ભાજપનો પગપેસારો થયા બાદ ભાજપે આ સેક્ટરમાં મરાઠાઓને નબળા પાડયા છે. સહકારી બેન્કો, ક્ષેત્રો અને કૃષિ સહકારી ક્ષેત્રોમાં અન્ય સંગઠનો અને સમુદાયોને નબળા પાડવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગણા જિલ્લાઓમાં કૃષિ સંકટ છે. આ સંકટનો કોઈ ઉકેલ આવતો જ નથી. તે ઉપરાંત રાજકીય રીતે પણ મરાઠાઓને ખાસ અવસર આપવામાં આવતો નથી. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જે મુખ્યમંત્રીઓ થયાં તેમાં મરાઠાઓને પ્રાધાન્ય મળતું હતું પણ હવે તેમાં પણ ઘટાડો કરી દેવાયો છે. સામાજિક, રાજકીય, આર્થિક અને કોઈપણ મુદ્દે મરાઠાઓને મજબૂત રહેવા દેવાયા નથી. આ નારાજગી પરિણામ પલટી શકે છે.

અનામત મુદ્દે પણ રાજકીય વાતાવરણ ગરમાયેલું છે

મહારાષ્ટ્રમાં મરાઠાઓને રાજકીય મહત્ત્વની સાથે સાથે સામાજિક લાભ પણ વધારે જોઈએ છે. આ મુદ્દો પણ ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. મરાઠાઓ દ્વારા ઓબીસીમાંથી અનામતનો લાભ મેળવવાની કવાયત ચાલી રહી છે. ઓબીસી ક્વોટામાંથી મરાઠાઓ દ્વારા 28 ટકા જેટલી અનામત ઈચ્છી રહ્યા છે. આ કારણે મરાઠાઓ અને ઓબીસી સમુદાય ઘણાં સમયથી આમને-સામને છે. આ સામાજિક સ્થિતિનો લાભ કઈ રાજકીય પાર્ટીને મળશે તે હાલમાં સ્પષ્ટ નથી. ઓબીસી દ્વારા ભાજપને તો સમર્થન આપવામાં આવેલું જ છે અને ભાજપ દ્વારા છેલ્લાં ચાર દાયકાથી મરાઠાઓને પણ ભાજપે પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરેલા છે. અનામત મુદ્દે કોઈપણ પણ કે રાજ્ય સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ વખતે બંને સમુદાયોને પોતાની સાથે રાખવા ભાજપ માટે મુશ્કેલ બની રહ્યા છે. કેટલાક રાજકીય જાણકારો માને છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે, તેના કારણે ઓબીસી સમુદાય દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ સિવાય સહકારી બેન્કોમાં અજીત પવારના સ્થાને હવે ભાજપે મરાઠાઓને તક આપી છે તેથી મરાઠાઓ પણ થોડા હળવા બને તેવું બની શકે.

મહારાષ્ટ્રમાં ભાજપનો ગ્રાફ ઉપર-નીચે થતો રહ્યો છે

લોકસભાની ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો અહીંયા કાયમ ભાજપનો ગ્રાફ ઉપર-નીચે થતો જ આવ્યો છે. ભાજપના વિજયમાં સાતત્ય દેખાયું નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2009માં ભાજપને જે બેઠકો મળી હતી તેની સરખામણીએ 2014માં મોટો ઉછાળો આવ્યો હતો. તે સમયે ભાજપ છવાઈ ગયું હતું. ત્યારબાદ 2019માં ભાજપનો ગ્રાફ પાછો નીચે જતો જોવા મળ્યો હતો. તેના કારણે જ ભાજપને ચિંતા થઈ રહી છે. તેનો ગ્રાફ પાછો નીચે આવી રહ્યો છે. વોટ શેરિંગમાં પણ આવા ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. ગત લોકસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો તેમાં ભાજપને 23 બેઠકો મળી હતી. શિવસેનાના ભાગે 18 બેઠકો, એનસીપીને 4 જ્યારે કોંગ્રેસને તો માત્ર 1 જ બેઠક મળી હતી. એનડીએ પાસે 48માંથી 41 બેઠકો હતી અને યુપીએ પાસે માત્ર 5 બેઠકો હતી. આ વખતે સમીકરણ બદલાયા છે. આ લોકસભામાં એનડીએ દ્વારા 25 બેઠકો ઉપર, એકનાથ શિંદેની શિવસેના દ્વારા 15 બેઠકો ઉપર જ્યારે એનસીપી દ્વારા પાંચ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રખાયા છે. બીજી તરફ I.N.D.I.A. ગઠબંધનના ઘટકોમાં કોંગ્રેસ દ્વારા 17 બેઠકો ઉપર, ઉદ્ધવ જૂથ શિવસેના દ્વારા 21 બેઠકો ઉપર અને શરદ પવારની એનસીપી દ્વારા 10 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. 

શિવસેના અને અનસીપી બંને નબળા પડી ગયા છે

રાજકીય જાણકારો માની રહ્યા છે કે, એક તરફ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આગળ વધવાનો મોટો અવસર છે. એનડીએ અને I.N.D.I.A. ગઠબંધનને કદાચ બાજુએ રાખીએ તો ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી રાજકીય કદ વધારવા માટેની છે. અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે, એનડીએનો મહત્ત્વનો ભાગ રહેલી શિવસેનાનું વિભાજન થયું ત્યારથી જ તેમાં ડખા થયા છે. શિંદેજૂથ અને ઉદ્ધવજૂથ દ્વારા ઘણાં સમયથી એકબીજાને જ પછાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેઓ એકબીજા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. તેના કારણે ભાજપને ફાયદો થાય તેમ છે. ખાસ કરીને હિન્દુત્વના મુદ્દે ભાજપનો હાથ ઉપર રહે તેવું લાગે છે. તે ઉપરાંત એનસીપીની હાલત પણ એવી જ છે. શરદ પવાર અને અજીત પવાર જૂથ દ્વારા એનસીપીનું વિભાજન કરી દેવાયું. તે સમયથી ઓરિજિનલ એનસીપી કોની પાસે છે અને કોણ એનસીપીના વડા છે તે મુદ્દે સમસ્યા ચાલી રહી છે. એનસીપીના બે ભાગ હવે કોંગ્રેસનું કદ વધારવામાં મદદ કરી શકે છે. આ બધાં વચ્ચે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, એનડીએને 10 બેઠકોનું નુકસાન જઈ શકે છે. બીજી તરફ I.N.D.I.A. ગઠબંધનને 10 બેઠકોનો લાભ થઈ શકે છે. અન્ય એક અહેવાલ જણાવે છે કે, એનડીએને આ વખતે 33 બેઠકો મળશે જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 15 બેઠકો મળી શકે છે. આ સંજોગોમાં એનડીએને 8 બેઠકોનું નુકસાન જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 10 બેઠકોનો ફાયદો થઈ શકે તેમ છે. 

ઘણાં પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને આપી દેવાયા

મહારાષ્ટ્રના ઘણા બુદ્ધિજીવીઓ માની રહ્યા છે કે, ભાજપ દ્વારા મોટા પ્રોજેક્ટ આપવા મામલે પણ મહારાષ્ટ્ર સાથે અન્યાય કરવામાં આવે છે. છેલ્લાં એક દાયકામાં ઘણાં પ્રોજેક્ટ મહારાષ્ટ્રને મળે તેવા હતા પણ તે ગુજરાતને આપી દેવાયા હતા. તેમાંય છેલ્લાં ચાર વર્ષના ઈતિહાસ ઉપર નજર કરીએ તો દિલ્હીથી ઘણાં પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને આપી દેવાયા હતા. આ કારણે ઉદ્યોગજૂથો અને સમૂહો નારાજ છે. બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં પણ મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતને વધારે લાભ આપવામાં આવતો હોવાનો દાવો કરાતો આવ્યો છે. ખાસ કરીને ડુંગળી મુદ્દે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતના ખેડૂતોને પ્રાધાન્ય અપાતા મહારાષ્ટ્રમાં નારાજગી ફેલાઈ હતી. ખેડૂતો માની રહ્યા છે કે, કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં મહારાષ્ટ્રમાંથી ઘણાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તેના કારણે જ ખેડૂતોને કેન્દ્ર દ્વારા ડુંગળી મુદ્દે સજા આપવામાં આવી રહી છે. આ વખતે કૃષિ સંકટ વધારે ગંભીર થયું છે. ત્યારે ખેડૂતો પણ હવે વળતી લડત આપવા માટે સજ્જ છે. આ સંજોગોમાં ખેડૂતો અને મરાઠાઓ તથા બુદ્ધિજીવીઓ દ્વારા કોને વોટ આપવામાં આવશે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે.



Google NewsGoogle News