VIDEO: મિર્ઝાપુરમાં જાનલેવા ગરમી, ચૂંટણી ડ્યૂટીમાં તહેનાત પાંચ હોમગાર્ડ્સના મોત, 16 હોસ્પિટલમાં દાખલ
Mirzapur Temperature : દેશભરના ઘણા રાજ્યોમાં એકતરફ જાનલેવા ગરમી પડી રહી છે, તો બીજીતરફ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)નો ધમધોકાટ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમી કારણે સૌથી ચિંતાજનક સ્થિતિ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા લોકોની છે, ત્યારે બળબળતી ગરમી વચ્ચે આવતીકાલે (1 જૂન) છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જો કે તે પહેલા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મિર્ઝાપુરમાં ભીષણ ગરમી અને હીટવેવ (Heatwave)ના કારણે ચૂંટણી ડ્યૂટીમાં જોડાયેલા પાંચ હોમગાર્ડના મોત થયા છે અને 16 હોમગાર્ડ્સની તબિયત લથડતા તેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. આ તમામ હોમગાર્ડ્સ સાતમાં તબક્કાના મતદાન માટે ડ્યૂટી પર તહેનાત હતા.
પોલિટેકનિક મેદાનમાં હોમગાર્ડોની અચાનક તબિયત લથડી
મળતા અહેવાલો મુજબ ચૂંટણી ડ્યૂટીની ફરજના ભાગ રૂપે આજે કેટલાક હોમગાર્ડ્સ પોલિટેકનિક મેદાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની અચાનક તબિયત લથડતા દોડધામ મચી હતી. ત્યારબાદ તમામને સારવાર અર્થે તુરંત ટ્રોમાં સેન્ટર લઈ જવાયા હતા, જોકે હોસ્પિટલમાં પાંચ હોમગાર્ડના મોત થયા હતા.
મિર્ઝાપુરમાં તાપમાન 47 ડિગ્રીને પાર
વાસ્તવમાં ઉત્તર ભારતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણા સ્થળોએ તાપમાન 51 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે ઘણા લોકો જીવ ગુમાવી ચુક્યા છે. મિર્ઝાપુરની વાત કરીએ તો અહીં શુક્રવારે 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે મિર્ઝાપુરમાં તાપમાન 49 ડિગ્રી પાર જવાની સંભાવના છે. જોકે શુક્રવારે બળબળતી ગરમી ડ્યુટી કરી રહેલા હોમગાર્ડ્સની તિયત લથડતા મોત થયા છે. મિર્ઝાપુરના ડીએમ પ્રિયંકા નિરંજને કહ્યું કે, આજે પ્રચંડ ગરમીના કારણે પાંચ હોમાર્ડના મોત નિપજ્યા છે.
મિર્ઝાપુરમાં કુલ 43ના, બિહારમાં 32ના મોત
આ પહેલા દેશભરમાં વધીત ગરમી અને હીટવેવના કારણે અનેક લોકોના મોત થયા છે. મિર્ઝાપુરમાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધીમાં 43ના મોત થયા છે, બિહાર (Bihar)માં 32, ઓડિશા (Odisha)માં 10ના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં ચાર રાજ્યોમાં 21ના મોત
ઝારખંડ (Jharkhand)ના પલામૂ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અસહ્ય ગરમીના કારણે ઓડિશામાં 10, રાજસ્થાન (Rajasthan)માં પાંચ અને ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા બિહારના દરભંગાના 40 વર્ષિય એક વ્યક્તિનું દિલ્હી (Delhi)માં લૂ લાગવાથી મોત થયું છે. તેમના શરીરનું તાપમાન સામાન્યથી 10 ડિગ્રી વધુ 108 ડિગ્રી ફારેનહાઈટ સુધી વધી જતાં ઘણા અંગો બંધ થઈ ગયા હતા, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.