Lok Sabha Elections 2024 : રાજકારણની પિચ પર ઉતર્યા હતા આ ક્રિકેટર, જાદુ ન ચાલતા થયા હતા 'આઉટ'
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ હવે નજીક આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે અને મતદારોને પોતાની તરફ આર્કષવા તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut)ને ટિકિટ આપી છે તો યુસુફ પઠાણ તૃણમૂલમાંથી ચૂંટણી લડશે. આ પહેલીવાર નથી કે કોઈ ક્રિકેટરોએ રાજકારણમાં ઝંપલાવ્યું હોય અગાઉ પણ ચૂંટણીમાં કેટલાક ક્રિકેટરોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું પણ તેઓનો જાદુ ચાલ્યો ન હતો અને રાજકારણની પિચ પર ફ્લોપ રહ્યા હતા.
રાજકારણમાં એન્ટ્રી કરનાર દરેક વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી
રાજકારણમાં એન્ટ્રી કરનાર દરેક વ્યક્તિ સફળ થાય તે સાચી વાત હોતી નથી પછી ભલે તે બોલિવૂડ હસ્તી હોય કે પછી ક્રિકેટર. એવું જરૂરી નથી કે લોકો જેને પ્રેમ કરે છે તેને રાજકારણી તરીકે પણ જોવા માંગે છે. હરિયાણાની ધરતીએ આવા સ્ટાર્સની હાર જોઈ છે, જેમને લોકો સમગ્ર દેશમાં પ્રેમ અને સન્માન કરતા હતા. જેમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પિતા ક્રિકેટર મન્સૂર અલી ખાન (Mansoor Ali Khan Pataudi), પૂર્વ ક્રિકેટર ચેતન શર્મા (Chetan Sharma)નો સમાવેશ થાય છે.
પટૌડી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા
હરિયાણા (Haryana) રાજ્યની રચના બાદ નવાબ પટૌડીને 1971માં ગુરુગ્રામમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અભિનેત્રી શર્મિલા ટાગોર પણ તેમને પ્રમોટ કરવા આવી હતી અને હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કપિલ દેવ જેવા પ્રખ્યાત ક્રિકેટરે પણ ટાઇગર પટૌડી માટે પ્રચાર કર્યો હતો, પરંતુ મન્સૂર અલી ખાનનો જાદુ આ ચૂંટણીમાં ચાલ્યો નહી અને તેઓ જીતી શક્યા ન હતા. પટૌડી કોંગ્રેસના ઉમેદવાર અને મેવાતના દિગ્ગજ નેતા તૈયબ હુસૈન સામે હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પટૌડી તેમના સમયના એક ઉમદા ક્રિકેટર હતા.
BSPએ ચેતન શર્માને ટિકિટ આપી હતી
આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડ કપ(Cricket World Cup)માં પહેલી હેટ્રિક લેનારા પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ પણ 2009ની લોકસભા ચૂંટણીમાં ફરીદાબાદથી રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમણે બહુજન સમાજવાદી પાર્ટી(BSP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. તેઓ હરીફ કોંગ્રેસ(Congress)ના અવતાર સિંહ ભડાના અને ભાજપના રામચંદ બૈંડા પછી એક લાખ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. એ ચૂંટણીમાં બસપા મજબૂત ચહેરાની શોધમાં હતી. બ્રાહ્મણ સમુદાય, બીએસપી કેડરના મતદાર અને ક્રિકેટર હોવાને કારણે, બસપાએ ચેતન શર્માને સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા હેઠળ ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા.