'સાચી આઝાદી તો 2014 પછી મળી..' કંગનાએ ફરી વિવાદિત નિવેદન સાથે હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ઊઠાવ્યો
Lok Sabha Elections 2024 | બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઉમેદવાર કંગના રણૌતે હવે હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુલ્લુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કંગનાએ કહ્યું હતું કે જ્યારે 1947માં ધર્મના આધારે પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી, તો ત્યારે જ ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં આવ્યું ન હતું?
વડાપ્રધાન મોદીની કરી પ્રશંસા
કંગનાએ કહ્યું કે આપણા વડાપ્રધાન મોદી યુગ પુરુષ છે. આપણા પૂર્વજોએ મુઘલોની ગુલામી, પછી અંગ્રેજોની ગુલામી અને પછી કોંગ્રેસનું આ કુશાસન જોયું છે. પરંતુ આપણને સાચી આઝાદી 2014માં મળી હતી. વિચારવાની સ્વતંત્રતા, સનાતનની સ્વતંત્રતા, પોતાનો ધર્મ પાળવાનીસ્વતંત્રતા, આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સ્વતંત્રતા પણ હવે જ મળી. જ્યારે 1947માં તમે ધર્મના આધારે પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવ્યું તો પછી તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ ન બનાવ્યું? અમે તેને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.
અગાઉ અનેક વિવાદિત નિવેદનો આપી ચૂકી છે કંગના
ઉલ્લેખનીય છે કે કંગના ઘણા પ્રસંગોએ આવા રાજકીય નિવેદનો આપતી રહી છે. તેમણે નવેમ્બર 2021માં એમ પણ કહ્યું હતું કે 'વાસ્તવિક આઝાદી' 1947માં નહીં, પરંતુ 2014માં મળી હતી. કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કાર્યકાળને સાચી સ્વતંત્રતા ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો.