'તે મમતા બેનર્જીની સૌથી મોટી ભૂલ છે': સંદેશખાલી મામલે જેપી નડ્ડાના પ્રહાર
Image Source: Twitter
JP Nadda Attack On Mamata Banerjee: દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પાર્ટીના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મમતા બેનર્જીને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, જો મમતા બેનર્જીને એવું લાગે છે કે, તેઓ જનતાને ડરાવી-ધમકાવીને ચૂંટણી જીતી જશે તો તે મમતા બેનર્જીની સૌથી મોટી ભૂલ છે.
'તે મમતા બેનર્જીની સૌથી મોટી ભૂલ છે'
જેપી નડ્ડાએ TMCના અધ્યક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, મમતા બેનર્જીના શાસનમાં શેખ શાહજહાં જેવા લોકો મહિલાઓ માટે ખતરો બન્યા છે. ત્યાં ગયેલી તપાસ એજન્સીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સંદેશખાલીમાં જનતાની રક્ષા માટે એનએસજીના કમાન્ડોએ ઉતરવું પડ્યુ છે. શું મમતા બેનર્જી જનતાને ડરાવી-ધમકાવીને તેમનો જીવ લઈને ચૂંટણી જીતશે? જો મમતા બેનર્જીને એવું લાગે છે તો તે તેમની સૌથી મોટી ભૂલ છે.
ભાજપ 35 બેઠકો જીતશે
જેપી નડ્ડાએ આગળ કહ્યું કે, જે બંગાળમાં શાસ્ત્રીય ગીતો સાંભળવા જોઈએ ત્યાં બોમ્બ અને પિસ્તોલ મળી રહી છે. મમતા બેનર્જી તમે બંગાળનું શું બનાવી દીધુ? શું સુભાષ ચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ જેવા લોકોએ આવા બંગાળની કલ્પના પણ કરી હતી? જનતા તમને જડબાતોડ જવાબ આપશે અને ભાજપ 35 બેઠકો જીતશે. સંદેશખાલીની પીડિતાને ટિકિટ આપીને ભાજપે મહિલા સશક્તિકરણની મિસાલ રજૂ કરી છે. ભાજપે મમતા બેનર્જીને બતાવી દીધું છે કે સંદેશખાલીની આ મહિલાઓ એકલી નથી.
આ ઉપરાંત બીજેપી પ્રવક્તા પ્રેમ શુક્લાએ મમતા બેનર્જીની સરકાર પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે સંદેશખાલીમાં NSG કમાન્ડો અને CBI દ્વારા પાડવામાં આવેલા દરોડામાં શાહજહાં શેખના સાગરિતો પાસેથી બંગાળ પોલીસના સત્તાવાર હથિયાર (કોલ્ટ રિવોલ્વર) સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.