ગુજરાતથી લઈને યુપી સુધી... ભાજપને હવે પોતાના જ નેતાઓ નડી રહ્યા છે, પેરાશૂટ નેતાઓની એન્ટ્રીથી વિદ્રોહ
Lok Sabha Elections 2024: ભાજપ દ્વારા એક તરફ 370થી 400 બેઠક જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપમાં જ બળવાની સ્થિતિ જોવા મળી છે. ચૂંટણીની જાહેરાતથી શરૂ કરીને છ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યાં સુધીમાં દેશભરમાં ઘણાં નેતાઓ અને કાર્યકાર્તાઓ દ્વારા વિદ્રોહ કરાયો છે. આ ઉપરાંત ઘણાંના કૌભાંડ બહાર આવ્યા છે, જેના કારણે પક્ષની સ્થિતિ કફોડી થઈ હતી. ભાજપના ટોચના નેતાઓને બાજી સંભાળવામાં ઘણી મહેનત કરવી પડી હતી. તાજેતરમાં ચૂંટણીમાં પણ જયંત સિન્હા દ્વારા હજારીબાગ બેઠક ઉપર ન પ્રચાર કરવામાં આવ્યો અને ન તો મતદાન કરવામાં આવ્યું. આ મુદ્દે પક્ષ દ્વારા જયંત સિન્હાને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી.
ભાજપમાં વિરોધનો સૂર ઉઠ્યો!
રાજસ્થાનના દિગ્ગજ આદિવાસી નેતા અને રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહેલા કિરોડીલાલ મીણા દ્વારા પોતાની જ સરકારની કામકાજ ઉપર સવાલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુડગાંવમાં ભાજપના જ ઉમેદવાર ઈન્દ્રજીત સિંહને પોતાના જ પક્ષના ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું નહોતું. જાણકારોના મતે એક તરફ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને વિપક્ષ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ખેડૂતો, જાટ અને યુવાનો પણ રોજગારી અને કાયદા મુદ્દે વિરોધના રસ્તે છે.
હરિયાણામાં પણ ધારસભ્યોએ પ્રચારમાં જવાનું ટાળ્યું
ઉત્તર પ્રદેશ અને બંગાળની જેમ હરિયાણામાં પણ વિરોધ અને વિદ્રોહની જ સ્થિતિ છે. નેતાઓ દ્વારા ભાજપ આલાકમાન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. હરિયાણાના ગુરુગ્રામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની રેલીઓમાં અને સભાઓમાં ભાજપના જ મોટા નેતાઓ અને ધારાસભ્યોની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે ગુરુગ્રામ બેઠકના જ ધારાસભ્ય સુધીર સિંગલા તથા સોહના બેઠકના ધારાસભ્ય સંજય સિંહ પણ રાવ ઈન્દ્રજીત સિંહની રેલીમાં અને સભામાં દેખાયા નહોતા. આ ઉપરાંત હરિયાણાના ઘણાં દિગ્ગજ નેતાઓએ આ સભા અને રેલીઓથી અંતર જાળવ્યું હતું. તેના પગલે હરિયાણા ભાજપમાં તંગદિલી વધી હતી. ભાજપ આલાંકમાન દ્વારા ધારસભ્યોનું આ વલણ નોંધવામાં આવ્યું હતું. આગામી સમયમાં અહીંયા મોટાપાયે પરિવર્તન અથવા તો અન્ય પગલાં લેવાય તેવું પણ દેખાઈ રહ્યું છે.
જયંત સિન્હાના પુત્ર I.N.D.I.A. ગઠબંધનની રેલીમાં જોવા મળ્યા
સૌથી પહેલો મુદ્દો જયંત સિન્હાનો આવે છે. જયંત સિન્હા અને પુત્ર આશિર બંને વિરોધ અને વિદ્રોહ ઉપર ઉતરી આવ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. જયંત સિન્હા હજારીબાગ બેઠક પર પ્રચારથી તો દૂર રહ્યા જ હતા. પરંતુ તેઓ મત આપવા પણ નહોતા ગયા. તેના પગલે જ ભાજપ આલાકમાન ગિન્નાયુ છે. જાણકારોના મતે ગત બે લોકસભામાં જયંત સિન્હા હજારીભાગ બેઠક ઉપરથી જીતતા આવ્યા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને અહીંથી ટિક્ટિ આપવામાં આવી નહોતી. બીજી તરફ જયંત સિંહાના પુત્ર આશિર હજારીબાગમાં જ યોજાયેલી એક રેલીમાં દેખાયા હતા. આ રેલી ભાજપની નહીં પણ I.N.D.I.A. ગઠબંધનની કર હતી. તેઓ I.N.D.I.A. ગઠબંધનની રેલીમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે, આશિર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બીજી તરફ અન્ય એક ભાજપની નેતાએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં યુવાનો બેરોજગારી અને પેપર ફૂટવાની ઘટનાઓની નારાજ છે. તેમના દ્વારા પણ મતદાનને અસર પહોંચાડવામાં આવે તો નવાઈ નહીં. રાજ્ય સરકારો દ્વારા આ મુદ્દે પગલાં નહીં લેવામાં આવે તો મોટાપાયે નુકસાન થઈ શકે તેમ છે.
સંઘના નેતાઓમાં પણ ભાજપ દ્વારા સાઈડલાઈન કરવા મામલે નારાજગી જોવા મળી
સંથના નેતાઓ દ્વારા પણ ભાજપ અને તેની કમિટિઓ દ્વારા મનમાની કરાતા હોવાની ફરિયાદો ઘણી વખત સીધી અને આડકતરી રીતે કરવામાં આવી જ છે. આ વખતે લોકસભાની ટિકિટો જાહેર કરાઈ ત્યારથી જ સંઘ અને ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ ઉપરથી ભાજપના દિવંગત દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની પુત્રી અને આ જ બેઠક ઉપરથી ગત વખતે સાંસદ બનેલી પૂનમ મહાજનને ટિકિટ અપાઈ હતી. પૂનમ મહાજનને પડતી મુકાઈ હોવાથી સંધે નારાજગી વ્યક્ત કરી હતી. સંધના એક મોટા નેતાએ જણાવ્યું હતું કે, 'ધીમે ધીમે ભાજ૫ દ્વારા સંઘને સાઈડલાઈન કરવામાં આવી રહ્યો છે. તેમાંય લોક્સભામાં ટિકિટ વહેંચણી મુદ્દે સંઘ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા છે.' બીજી તરફ કર્ણાટકમાં ગત મહિને જે મોટો વિવાદ થયો તે મુદ્દે પણ ભાજપના નેતાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી. કર્ણાટકમાં પૂર્વ પીએમ દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીના આરોપ બાદ તેનો ખૂબ જ મોટો વિવાદ થયો છે, તેમના વીડિયો ફરતા થયા બાદ ભાજપના કેટલાક નેતાઓએ અંદરો અંદર નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક નેતાઓએ કેમેરાની સામે આ વિવાદ મુદ્દે પક્ષના માથે માછલા ધોઈ રહ્યા છે. કેટલાક નેતાઓએ જણાવ્યું કે, 'આ મુદ્દે ભાજપના ટોચના નેતાઓને જાણ કરવામાં આવી હતી. પણ તેઓએ આ વાતને ગંભીરતાથી લીધી જ નહોતી. રેવન્ના સામે ઘણાં સમયથી આક્રોશ ચાલી રહ્યો હતો. પણ આલાકમાન આ મુદ્દે સાંભળવા તૈયાર જ નહોતું.'
કિરોડીલાલ મીણાએ કરોડોના ગોટાળાનો બોમ્બ ફોડ્યો
રાજસ્થાન સરકારમાં મંત્રી તરીકે રહેલા કિરોડીલાલ મીણા દ્વારા અચાનક લોકસભાના પ્રચાર વચ્ચે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્રો લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું કે, રાજ્ય સરકારમાં 1146 કરોડ રૂપિયાના ગોટાળા થયા છે. આ કૌભાંડ રાજસ્થાન સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં થયું છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ ખાતામાં અબજો રૂપિયાની અત્યાર સુધીમાં ખાઈકી થઈ ગઈ હોવાનો પણ તેમણે આરોપ મુક્યો હતો. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે, તાકીદે આ મુદ્દે થયેલા તમામ કરાર રદ કરવામાં આવે અને કેગના રિપોર્ટના આધારે આ કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.
કિરોડીલાલ મીણાએ આ લેટર બોમ્બ ફોડ્યો તે અંગે બે પ્રકારના મત ચાલી રહ્યા છે. કેટલાક નેતાઓ માની રહ્યા છે કે, કિરોડીલાલ પોતાની ખુરશી ટકાવી રાખવા માટે અને પદ બચાવી રાખવા માટે પાળ બાંધી રહ્યા છે. તેઓ જાણી જોઈને આ કૌભાંડ ખોલી રહ્યા છે. તેથી તેઓ સ્વચ્છ દેખાય અને તેમના ઉપર કોઈ આરોપો ન મુકાય. બીજી તરફ એક પક્ષ એવું પણ માને છે કે, દીસા બેઠક ઉપર કનૈયા લાલા મીણાને ઉમેદવાર બનાવાયા છે. ભાજપ દ્વારા પ્રચારની તમામ જવાબદારી કિરોડીલાલ મીણાને સોંપવામાં આવી છે. આ સંજોગોમાં કિરોડીલાલે દાવો પણ કર્યો છે કે, જો દીસામાં ભાજપ હારે તો તેઓ પદ છોડી દેશે. આ સંજોગોમાં તેઓ સરકારને નબળી બતાવવા કે વિવાદ ઊભો કરવા આમ ન કરતા હોય તેવું પણ બને.
નેતાઓની સાથે સાથે રોજગારી, મોંઘવારી અને વિકાસ જેવા મુદ્દા પણ ભાજપને નડી રહ્યા છે
ભાજપના નેતાઓને પોતાના સાથીઓ જ નહીં પ્રજાનો પણ વિરોધ નડી રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, 2019માં હરિયાણામાં ભાજપના ખાતામાં 10માંથી 10 લોકસભા બેઠકો આવી ગઈ હતી, પરંતુ આ વખતે સ્થિતિ કટોકટીવાળી છે. ખેડૂતો દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જોતાં લાગી રહ્યું છે કે, ભાજપ માટે આ વખેત 10માંથી 10 મેળવવી મુશ્કેલ છે.
ખેડૂતો દ્વારા કૃષિ કાયદા અને અન્ય મુદ્દે પણી માગણીઓ કરાઈ, આંદોલનો કરાયા પણ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કોઈ દાદ આપવામાં - આવી નહોતી. કારણે ખેડૂતો દ્વારા ભાજપને લોક્સભાની હરિયાણાની બેઠકો ઉપર હરાવવા માટે આક્રમક પ્લાન બનાવાયા છે. બીજો મોટો અને મહત્ત્વનો મુદ્દો છે અગ્નિવીર યોજનાનો મુદ્દો. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ભારતીય સેનામાં જોડાય છે. સરકાર દ્વારા સેનામાં જોડાવા અંગે અગ્નિવીર યોજના લાવવામાં આવી હતી. આ મુદે તમામ રાજ્યોમાં ભારે વિરોધ થયો હતો. યુવાનો દ્વારા આ યોજનાને અયોગ્ય ગણાવીને પાછી ખેંચવાની માગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વખતે લોકસભાના ઢંઢેરામાં જ અગ્નિવીર યોજના સત્તામાં આવ્યા બાદ રદ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં યુવાનો દ્વારા કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરવામાં આવશે કે ભાજપને સાથ આપવામાં આવશે તે જોવાનું રહેશે. અન્ય મુદ્દા જોઈએ તો રોજગારી, મોંઘવારી અને વિકાસ છે. આ મુદ્દે ઘણાં કામ થવા જોઈતા હતા અને તેની ચર્ચા પણ થવી જોઈતી હતી. ભાજપના નેતાઓ પાસે રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી. તેઓ હરીફરીને રામ મંદિર નિર્માણ અને હિન્દુત્વ ઉપર આવી જાય છે. ભાજપના નેતાઓ પાસેથી જનતાને વિકાસના કાર્યો અને તેની રૂપરેખાની માગ કરવામાં આવે છે પણ તેઓ કશું જ જણાવી શકતા નથી. આ કારણે શિલિત મતદારો દ્વારા ભાજપની અવગણના કરવામાં આવે તો નવાઈ નહીં.