...જ્યારે પથ્થરમારામાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નાક તૂટી ગયું, છતાં તેમણે ભાષણ નહોતું રોક્યું
Image Wikipedia |
Lok Sabha Elections 2024: આ વાત છે ફેબ્રુઆરી 1967ની. દેશમાં ચોથી લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી. અને તે સમયે ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. તે પોતાની કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં તેમની ચૂંટણી એક રેલી હતી. તે દિવસોમાં ઓડિશામાં સ્વતંત્ર પાર્ટીનો દબદબો હતો. જ્યારે ઈન્દિરા ગાંધીએ ભાષણ આપવાનું શરૂ કર્યું, ત્યારે બદમાશોએ પથ્થરમારો શરૂ કર્યો, પરંતુ ઈન્દિરાએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
આ મારું અપમાન નથી, પરંતુ દેશનું અપમાન છે: ઈન્દિરા ગાંધી
ત્યારે તેમણે રેલીમાં આવેલા લોકોને પૂછ્યું કે, શું તમે આ રીતે દેશનું નિર્માણ કરશો અને આવા લોકોને વોટ આપશો? ઈન્દિરા વધુ કંઈ બોલે તે પહેલા તેમના નાક પર એક પથ્થર આવીને પડ્યો. તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. ઈન્દિરા થોડી સેકન્ડ માટે અટક્યા અને તરત જ પોતાના બંને હાથથી લોહી લૂછ્યું અને નાક પર રૂમાલ દબાવીને ફરી ભાષણ આપવા લાગ્યા હતા. તેમના સુરક્ષા અધિકારીઓ અને તેમની નજીકના નેતાઓએ તેમને ભાષણ છોડવા વિનંતી કરી. તો કેટલાકે તેમને સ્ટેજની પાછળ જઈને બેસવા કહ્યું, પરંતુ ઈન્દિરાએ કોઈનું ન સાંભળ્યું અને ઈજાગ્રસ્ત હાલતમાં નાક પર રુમાલ દબાવીને ભાષણ આપવાનું ચાલુ રાખ્યું. ઈન્દિરાએ કહ્યું કે, આ મારું અપમાન નથી, પરંતુ દેશનું અપમાન છે, કારણ કે વડાપ્રધાન તરીકે હું સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરું છું.
ઈન્દિરાએ નાક પર પાટો બાંધીને કલકત્તાની જાહેર સભાને પણ સંબોધી
ભુવનેશ્વર પછી ઈન્દિરા ગાંધીએ કલકત્તામાં પણ જનસભાને સંબોધવાની હતી, પરંતુ તેમને અસહ્ય પીડા થઈ રહી હતી. કદાચ તેમના નાકનું હાડકું તૂટી ગયું હતું. ડોક્ટરોએ તેમને મલમ પટ્ટી લગાડી અને દિલ્હી જવા કહ્યું હતું. સુરક્ષા અધિકારીઓએ તેમને દિલ્હી પાછા ફરવા વિનંતી પણ કરી હતી, પરંતુ ઈન્દિરાએ ફરી કોઈની વાત ન માની અને કલકત્તા પહોંચી ગયા હતા. તેમણે નાક પર પાટો બાંધીને કલકત્તાની જાહેર સભાને પણ સંબોધી હતી.
'ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર' પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ
ઘટના બાદ જ્યારે તેઓ દિલ્હી પરત આવ્યા ત્યારે ડોક્ટરોએ એક્સ-રે કરાવ્યો, ત્યારે ખબર પડી કે તેમના નાકનું હાડકું તૂટી ગયું છે, અને તેનું ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ ડોક્ટરોએ ઈન્દિરાને બેભાન કરીને નાકના હાડકાનું ઓપરેશન કર્યું હતું. વરિષ્ઠ પત્રકાર અને હાલમાં રાજ્યસભાના સાંસદ બનેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા સાગરિકા ઘોષે તેમના પુસ્તક 'ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર' માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
ઈન્દિરા શરુઆતના દિવસોમાં એટલી હિંમતવાન નહોતી, પરંતુ...
સાગરિકા ઘોષે લખ્યું છે કે, "આના પરથી ખ્યાલ આવે છે કે, ઈન્દિરામાં કેટલો ઉત્સાહ અને લડવાની ક્ષમતા હતી. ઘણું લોહી વહી ગયા પછી પણ તેઓ ગભરાયા નહોતા. અને સતત ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો હતો. તેમણે ઓપરેશનના બીજા જ દિવસે નાક પર પાટો બાંધેલી સ્થિતિમાં ફરવા લાગ્યા હતા અને દેશભરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરવા લાગ્યા હતા. સાગરિકા ઘોષના કહેવા પ્રમાણે, ઈન્દિરા શરુઆતના દિવસોમાં એટલી હિંમતવાન નહોતી, પરંતુ તે પછીના દિવસોમાં તે ઘણી હિંમતવાન બની ગઈ હતી. તેમને આયર્ન લેડી પણ કહેવામાં આવતા હતાં.
સાગરિકાએ પોતાના પુસ્તકમાં લખે છે કે, જ્યારે ઈન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રી હતા, ત્યારે પણ તેઓ સંસદમાં કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે ગૃહમાં ઊભા થતાં ત્યારે તેમના હાથ-પગ ધ્રૂજતા હતા. સાગરિકાએ તેમના ડોક્ટર કેપી માથુરને ટાંકીને લખ્યું છે કે, જે દિવસે તેમને સંસદમાં ભાષણ આપવાનું હોય તે દિવસે ઈન્દિરા ગાંધીને પેટમાં દુ:ખાવો થતો હતો અથવા તેમના માથાનો દુખાવો શરુ થઈ જતો હતો. પરંતુ જ્યારે તેઓ 1967ની ચૂંટણીમાં જીતીને સંસદમાં પહોચ્યા અને તેના બળ પર પોતે વડાપ્રધાન બની ત્યારે તેમનો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત થઈ ગયો હતો.