કોંગ્રેસ જ નહીં આ પક્ષે ભાજપને આપ્યો સૌથી મોટો ઝટકો: 25 વર્ષ બાદ મેળવી આવી સફળતા
Lok Sabha Election Result 2024: આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપને 400થી વધુ બેઠક મેળવવાની આશા હતી. પરંતુ તેને નિરાશા હાથ લાગી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે તે માત્ર 294 સીટો પર જ આગળ છે. આ પરિણામો વચ્ચે તમામની નજર ઉત્તર પ્રદેશ પર છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં 37 બેઠકો પર પોતાની લીડ જાળવી રાખી છે. જો આ જ વલણ જળવાઈ રહે તો આ 25 વર્ષમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે.
આ વખતે 37 બેઠકો જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ
અગાઉ 1999ની સામાન્ય ચૂંટણીમાં સપાએ 41 લોકસભા બેઠકો જીતી હતી. ત્યારબાદ 2004માં તેના 36 સાંસદો જીત્યા હતા. તેમજ 2009માં 23 બેઠક મળી હતી. ત્યારબાદ 2014માં ભાજપ લહેર દરમિયાન તેને માત્ર 5 બેઠકો મળી હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ તે 5 પર જ રહી હતી. આવી સ્થિતિમાં આ વખતે 37 બેઠકો જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
2014, 2019 અને 2022ની સામાન્ય ચૂંટણીમાં અખિલેશને મળી હતી નિષ્ફળતા
આ સફળતા અખિલેશ યાદવ માટે પણ મોટી રાહત લઈને આવી છે. 2017માં વિધાનસભા ચૂંટણી હારતા પહેલા તેમને 2014ની સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2019 અને 2022ની સામાન્ય ચૂંટણીઓમાં પણ અખિલેશ યાદવને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
10 વર્ષ બાદ અખિલેશની પાર્ટી જીતી વધુ બેઠક
10 વર્ષ બાદ હવે તેમની પાર્ટી રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં સપાની સાથે કોંગ્રેસને પણ લાંબા સમય બાદ ઉત્તર પ્રદેશમાં 8 સીટો મળી શકે છે. આ રીતે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના યુપીના બે છોકરાના નારા કામ કરી ગયા એવું લાગી રહ્યું છે.
આ જીત સાથે સમાજવાદી પાર્ટીએ પણ પોતાની વોટ ટકાવારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વખતે તેમને 32 ટકાથી વધુ વોટ મળ્યા છે. જો કે યુપીમાં 41 ટકા વોટ મળવા છતાં ભાજપને માત્ર 33 સીટો પર લીડ મળી છે.