ભાજપે ઓવૈસીના ગઢમાં તેજાબી ભાષણ માટે જાણીતા મહિલાને આપી ટિકિટ, કહ્યું- હું પોતે બુલડોઝર છું
ભાજપે હૈદરાબાદ બેઠક પરથી માધવી લતાને ચૂંટણી મેદાનમાં ઉતારતા ઓવૈસીની મુશ્કેલી વધી
હૈદરાબાદ 1984થી ઓવૈસીનો ગઢ : માધવી લતાએ કહ્યું, હું તેમને એક લાખ મતોથી હરાવીશ
Lok Sabha Elections 2024 : આ વખતે ભાજપે તેલંગાણાની પ્રખ્યાત હૈદરાબાદ બેઠક પર માધવી લતા (Madhavi Latha)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આ બેઠક પરથી સાંસદ છે. હૈદરાબાદ બેઠક 1984થી ઓવૈસી પરિવારના કબજામાં છે., જેને ઓવૈસીનો ગઢ પણ કહેવાય છે.
માધવીએ ઓવેસી પર સાધ્યુ નિશાન
માધવી લતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદથી સતત ઓવૈસી પર નિશાન સાધી રહી છે. તેમણે ફરી એકવાર દાવો કર્યો કે, ‘ઓવૈસીએ આ મતવિસ્તારને માત્ર પીડા, ડર અને અન્યાય આપ્યો છે. જો તેમણે (ભાજપે) મને તહેનાત કરી છે, તો હું બુલડોઝર છું. મારા વિચારો ખૂબ જ મજબૂત છે અને હું સમાધાન ક્યારેય કરીશ નહીં. તેમણે કહ્યું કે, હું ઈમોશનલ છું અને મને લાગે છે કે, નેતાઓ હોવા જોઈએ.’
માધવી લતા સામાજિક કાર્યો માટે ખૂબ જાણીતી
ભાજપના 49 વર્ષીય યુવા ઉમેદવાર માધવી લતા ભરતનાટ્યમ નૃત્યાંગના અને ઉદ્યોગસાહસિક છે. તેઓ સામાજિક કાર્યો માટે પણ જાણીતી છે. હવે તે 13 મેના રોજ યોજાનારી ચૂંટણીમાં ઓવૈસીને તેમના ગઢમાં ટક્કર આપવા તૈયાર છે. જ્યારે લતાને પૂછવામાં આવ્યું કે, તેઓ રાજકારણમાં નવા છે, તો ઓવૈસીને કેવી રીતે ટક્કર આપશે, તો તેમણે કહ્યું કે, ‘ઓવૈસીની કેવી છબી છે. તમે તેમની મોટી ઈમેજ રજૂ કરો છો. મારા માટે મહત્વ એ છે કે કેવા પ્રકારની ઈમેજ છે. જો તમારી પાસે એક વિશાળ ઈમેજ છે, નકારાત્મક ઈમેજ છે, તો તેને દૂર કરવા માટે કાંકરાથી વધુની જરૂર નથી. જેમ કે, જો તમે પત્તામાંથી ઘર બનાવો છો, તો તેને પાડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે.’
‘ઓવૈસી 1 લાખ મતથી હારી જશે’
ગત ચૂંટણીમાં ઓવૈસી લગભગ ત્રણ લાખ મતોથી જીત્યા હતા. આ મુદ્દે લતાએ કહ્યું કે, ‘આ વખતે તેઓ એક લાખ મતોથી હારી જશે. હું ખુશ છું પણ તે ડરી ગયા છે. તેમણે કહ્યું કે, મેં 4-5 હજાર મુસ્લિમ મહિલાઓ સાથે કામ કર્યું છે. તેઓ ગરીબી અને ડરના માહોલમાં જીવે છે. ઓવૈસીએ હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં દુઃખ, પછાતપણું, અન્યાય, ડર અને અસુરક્ષા સિવાય કશું આપ્યું નથી. મતદારોને મતવિસ્તારના સત્યથી વાકેફ કરવામાં આવે તે જરૂરી છે. ઓવૈસી સારી રીતે જાણે છે કે હું તેમની સામે કેવી રીતે ઊભી રહીશ.’