ચૂંટણી પરિણામ વખતે કેવી રીતે થાય મત ગણતરી, સ્ટ્રોંગ રૂમમાં કોણ પ્રવેશી શકે છે?, જાણો આ પ્રશ્નોના જવાબ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પરિણામ વખતે કેવી રીતે થાય મત ગણતરી, સ્ટ્રોંગ રૂમમાં કોણ પ્રવેશી શકે છે?, જાણો આ પ્રશ્નોના જવાબ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં પૂરી થઈ ગઈ છે. હવે સૌની નજર 4 જૂને આવનારા પરિણામ પર છે. કોની સરકાર બનશે અને ક્યાં પક્ષને બહુમતી મળશે? આ બધા સવાલના જવાબો હવે ટૂંક સમયમાં મળી જશે. જો કે એ પહેલા જાણવું જરૂરી છે કે આખરે મતગણતરીના દિવસે શું થાય છે. કઈ રીતે મતોની ગણતરી થાય છે? મત ગણતરી કેન્દ્રની અંદર કોણ જઈ શકે છે? તો ચાલો મતગણતરીની સમગ્ર પક્રિયાને વિગતવાર સમજીએ.

સૌથી પહેલા કોણ ખોલે છે સ્ટ્રોંગ રૂમનુ તાળું?

મત ગણતરીના દિવસે સવારે સાત વાગ્યાની આજબાજુ દરેક પક્ષના ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું તાળું ખોલવામાં આવે છે. આ દરમિયાન ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર અને સ્પેશિયલ ઓબ્ઝર્વર હાજર હોય છે. ત્યારબાદ ઈવીએમમાંથી કંટ્રોલ યુનિટને ટેબલ પર મૂકાય છે. આ સમગ્ર પ્રક્રિયા સીસીટીવી હેઠળ હોવા છતાં વીડિયોગ્રાફી થાય છે. ત્યારબાદ દરેક કંટ્રોલ યુનિટના યુનિક આઈડી અને સીલને સરખાવામાં આવે છે. કંટ્રોલ યુનિટમાં બટન દબાવ્યા પછી દરેક ઉમેદવારના મત ઈવીએમમાં તેમનાં નામ આગળ દેખાય છે.

મત ગણતરી માટે કર્મચારીઓની પસંદગી કઈ રીતે થાય છે?

કોઇ પણ મતગણતરી કેન્દ્રના હૉલમાં 15 ટેબલ રાખવામાં આવે છે. 14 ટેબલ મત ગણતરી માટે અને એક ટેબલ રિટર્નિંગ ઓફિસર માટે હોય છે. કયો કર્મચારી કયા ટેબલ ઉપર મત ગણતરી કરશે તે ગુપ્ત રખાય છે. મત ગણતરીના દિવસે સવારે 5-6 વાગ્યે દરેક જિલ્લાના ચૂંટણી અધિકારી કર્મચારીઓને કોઈ પણ હોલ કે ટેબલ ફાળવે છે. 

કેટલા વાગ્યે મતગણતરી શરુ થાય છે?

મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઇ જાય છે. રિટર્નિંગ ઓફિસર પાસે વિશેષ અધિકાર હોય છે કે તે કોઇપણ વિશેષ પરિસ્થિતિમાં વહેલું-મોડું કરી શકે છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટની ગણતરી કરાય છે. તેમાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ તરત જ ઈવીએમના મતોની ગણતરી શરુ કરાય છે. ઈવીએમમાં મતોની ગણતરી પૂર્ણ થતાંની સાથે જ તેના આંકડા એજન્ટોને જણાવાય છે, જ્યારે રિટર્નિંગ ઓફિસર સમગ્ર રાઉન્ડના આંકડા રેકોર્ડ કરે છે.

ઉમેદવારની હાર કે જીત કેટલા રાઉન્ડમાં ખબર પડે છે?

એક રાઉન્ડમાં 14 ટેબલ પર 14 ઈવીએમ એક સાથે ખોલવામાં આવે છે. તમામ ઈવીએમની મત ગણતરી પૂર્ણ થાય ત્યારે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થાય છે. સામાન્ય રીતે આઠથી દસ રાઉન્ડમાં પરિણામ ખબર પડી જાય છે, પરંતુ પરંતુ વધુ મતદાનના કારણે રાઉન્ડની સંખ્યા પણ વધી જતી હોય છે. 

પહેલું વલણ કેટલા વાગ્યે આવાની શરુઆત થશે?

પોસ્ટલ બેલેટની ગણતરી બાદ તરત જ ઈવીએમના મતોની ગણતરી શરુ કરાય છે. પહેલું વલણ સવારે 9 વાગ્યેની આસપાસ આવવાનું શરુ થઇ જાય છે.

મત ગણતરીના કેન્દ્રમાં કેટલા એજન્ટ હોય છે?

ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ મતગણના સ્થળના પ્રત્યેક હોલના દરેક ટેબલ પર ઉમેદવારો તરફથી એક એજન્ટ હાજર રહે છે. કોઇપણ હોલમાં 15થી વધારે એજન્ટ હોઈ શકે નહી.

એજન્ટની પસંદગી કોણ કરે છે?

દરેક ઉમેદવાર એજન્ટની પસંદગી કરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારીને તેમના નામ, ફોટોગ્રાફ જેવી વિગતો આપે છે. મત ગણતરીના એક દિવસ પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી દરેક ઉમેદવારના એજન્ટના નામ અને ફોટોગ્રાફ સહિતની વિગતો જાહેર કરે છે.

મતગણતરી કેન્દ્રની અંદર કોણ જઈ શકે છે?

મત ગણતરી કેન્દ્રની અંદર મત ગણના અધિકારી, રિટર્નિંગ ઓફિસર, સુરક્ષા કર્મચારીઓ અને એજન્ટો જ જઇ શકે છે. જ્યાં સુધી મતોની ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ પણ ઉમેદવારના એજન્ટને બહાર જવાની મંજૂરી હોતી નથી. મત ગણતરીમાં તહેનાત સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ સિવાય કોઈને અંદર મોબાઈલ લઇ જવાની પરવાનગી હોતી નથી.

ફરીથી મત ગણતરી કયા સંજોગોમાં કરવામાં આવે છે?

જો કોઈ ઉમેદવાર અથવા તેમના એજન્ટને ડેટામાં ગરબડ કે ભૂલની આશંકા હોય તો તે ફરીથી મત ગણતરીની માંગ કરી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ જ્યાં સુધી સત્તાવાર પરિણામની જાહેરાત ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર ફરીથી મત ગણતરીની માંગ કરી શકે છે.

ચૂંટણીમાં હાર કે જીતની જાહેરાત કોણ કરે છે?

કંડક્ટ ઓફ ઈલેક્શનના નિયમ 63 મુજબ મત ગણતરી પૂરી થયા બાદ રિટર્નિંગ ઓફિસર દરેક ઉમેદવારને મળેલા મતોને પરિણામ ડેટા શીટમાં દાખલ કરે છે અને ત્યારબાદ પરિણામ જાહેર થાય છે. તેની સાથે જે ઉમેદવારનો વિજય થાય છે તેમને જીતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. 

મત ગણતરી બાદ ઈવીએમનું શું થાય છે?

મત ગણતરી પૂરી થાય બાદ ઈવીએમને પાછું સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવામાં આવે છે. નિયમાનુસાર મત ગણતરીના 45 દિવસ સુધી ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રખાય છે. ત્યારબાદ તેને બીજા સ્ટોર રૂમમાં મોકલી દેવાય છે. 

ચૂંટણી પરિણામ વખતે કેવી રીતે થાય મત ગણતરી, સ્ટ્રોંગ રૂમમાં કોણ પ્રવેશી શકે છે?, જાણો આ પ્રશ્નોના જવાબ 2 - image


Google NewsGoogle News