એક્ઝિટ પોલ પર કેટલો ભરોસો કરાય? છેલ્લી લોકસભા-વિધાનસભામાં ખોટું પડ્યું હતું અનુમાન

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
એક્ઝિટ પોલ પર કેટલો ભરોસો કરાય? છેલ્લી લોકસભા-વિધાનસભામાં ખોટું પડ્યું હતું અનુમાન 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામા આજે (પહેલી જૂન) 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલમાં ક્યા પક્ષને કેટલી બેઠક મળી શકે છે તે દર્શાવતા એક્ઝિટ પોલ શરૂ થઈ જશે. વર્ષ 2014ની લોકસભામાં ગુજરાતમાંથી ભાજપને 26માંથી 24 અને 2019માં 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યું હતું. તેના સ્થાને ભાજપે તમામ 26 બેઠકમાં વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150થી વધુબેઠક મળશે તેવું માત્ર એક્ઝિટ પોલમાં અનુમાન કરાયું હતું. આમ એક્ઝિટ પોલ સામાન્ય રીતે દરિયા કિનારે બેસીને દરિયો કેટલો ઊંડો છે તે ચકાસવાના અનુમાન સમાન જ બની રહે છે.

એક્ઝિટ પોલ સચોટ આકલનમાં નિષ્ફળ

સૌપ્રથમ વાત 2022ની વિધાનસભા ચૂંટણીની કરવામાં આવે તો એક્સિસ માય ઈન્ડિયામાં 129થી 151, સી વોટરમાં 128થી 140, મેટ્રિઝમાં 112- 121, ચાણક્યમાં 150, જન કિબાતમાં 117થી 140,પીમાર્કમાં 128થી 148, ઈટીજીમાં 135થી 145 બેઠક ભાજપને મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જેના સ્થાને ભાજપને 156, કોંગ્રેસને 17, આપને 5 અને અપક્ષને 4 બેઠક મળી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું. પરંતુ મોટાભાગના ન એક્ઝિટ પોલ સચોટ આકલનમાં નિષ્ફળ રહ્યા હતા.

એકિઝટ પોલ સામાન્ય રીતે 80 ટકા સચોટ હોય છે

હવે સવાલ એ છે કે, ભારતમાં એક્ઝિટ અને ઓપિનિયન પોલ કેટલા સચોટ હોઈ શકે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ 80થી 90 ટકા વચ્ચે સચોટ હોય છે. જો કે, એવું જરૂરી નથી કે આવું જ થયું આવે છે. કેટલાક કિસ્સાઓમાં એ અંદાજા ખોટા પડે છે. આશંકા હોય છે કે મતદારે કોને મત આપ્યો છે તેના વિશે સાચી જ માહિતી આપે. આ ઉપરાંત ઓપિનિયન પોલ પછી, મતદારને તેમનો અભિપ્રાય બદલવાનો સમય મળે છે અને અંતે તેઓ કોઈ બીજાને મત આપી શકે છે, જો કે એક્ઝિટ પોલમાં મતદાન બાદ જ માહિતી અન્ય સમક્ષ રજૂ કરાય છે.

એકિઝટ પોલ કઈ રીતે થાય છે?

એક્ઝિટ પોલ વાસ્તવમાં એક પ્રકારનો ચૂંટણી સર્વે જ છે. આ મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ માટે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ ક્યા પક્ષને કે ઉમેદવારને મત આપ્યો છે. આ માહિતી પરથી મળેલા ડેટાનું વિશ્વેષણ કરવામાં આવે છે અને તેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે, ચૂંટણીના પરિણામો કેવા રહેશે. 

ભારતમાં એક્ઝિટ પોલની ક્યારથી શરૂઆત થઈ?

સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન 1957માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલા પહેલા સર્વે તેના વડા એરિક ડી'કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1980અને 1984માં ડો. પ્રણય રોયના નેતૃત્ત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા ભારતમાં 1996માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજ૫ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જો કે, તેની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ 1998માં એક ખાનગી ન્યૂઝ ચેનલે પ્રથમ વખત એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું હતું.

ગુજરાત સમાચાર ડિજિટલ પર મળશે તમામ એક્ઝિટ પોલ
પહેલી જૂને લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થાય પછી સાંજે 6.30 વાગ્યાથી એક્ઝિટ પોલના વલણની શરૂઆત થશે. ગુજરાત સમાચાર એપ અને વેબસાઇટ પર પણ એક્ઝિટ પોલ જોઈ શકાશે. 


એક્ઝિટ પોલ પર કેટલો ભરોસો કરાય? છેલ્લી લોકસભા-વિધાનસભામાં ખોટું પડ્યું હતું અનુમાન 2 - image


Google NewsGoogle News