2002માં પુરષોત્તમ રૂપાલાને હરાવનારા ઉમેદવારને રાજકોટથી લોકસભા લડાવાની કોંગ્રેસની તૈયારી!
કોંગ્રેસ આ વખતે 3 વર્તમાન, 3 પૂર્વ ધારાસભ્ય અને એક પૂર્વ સાંસદને ટિકિટ આપશે તેવી ચર્ચા
ગુજરાતમાં કોંગ્રેસે વધુ 7 ઉમેદવારો ફાઈનલ કર્યા હોવાની ચર્ચા, ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા
image : Facebook |
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત સાત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાંય અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આકફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ બીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાતેક ઉમેદવારના નામોનું એલાન થવાની શક્યતા જોવાઈ રહી છે. આ સાતેય ઉમેદવારોની ટિકિટ ફાઈનલ છે તે જોતાં ઉમેદવારોને ટેલિફોનિક જાણ સુધ્ધાં કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ત્રણ વર્તમાન, ત્રણ પૂર્વ ધારાસભ્ય ઉપરાંત એક પૂર્વ સાંસદને ચૂંટણી મેદાને ઉતારવાનું લગભગ નક્કી કરી દીધુ છે.
ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. આ જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનુ મન બનાવ્યુ છે. ૨૨ વર્ષ બાદ રાજકોટમાં પુરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. વર્ષ ૨૦૦૨માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. હવે આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
આ તરફ, આણંદ બેઠક પર વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે. તેનુ કારણ છે કે, આ બેઠકના મજબૂત દાવેદાર ગણાતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીએ ખુદ જચૂંટણી નહી લડવા એલાન કર્યું છે. હવે આ બેઠક માટે અમિત ચાવડા ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને ટક્કર આપી શકે છે. આ જ પ્રમાણે, પાટણ બેઠક પર પણ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર મજબૂત ઉમેદવાર છે જે ભાજપના ભરત ડાભી સામે જોરદાર ટક્કર ઝીલી શકે તેમ છે. સાબરકાંઠા બેઠક પર ખેડબ્રહ્માના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીના ટિકિટ લગભગ ફાઈનલ છે. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મામાં અશ્વિન કોટવાલને હરાવીને અપસેટ સર્જાયો છે. હવે તેઓ લોકસભાની ચૂંટણીમાં ય અપસેટ સર્જવા માંગે છે.
પંચમહાલ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને તો ટેલિફોનિક જાણ કરી ચૂંટણી પ્રચારમાં લાગી જવા સૂચના આપી દેવાઈ છે. ગુલાબસિંહે તેમના સમર્થકોને પણ આ મામલે જાણ કરી દીધી છે. હવે માત્ર ઔપચારિતા જ રહી છે. દાહોદ બેઠક પર કોંગ્રેસે પૂર્વ સંસદ સભ્ય પ્રભા તાવિયાડને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જ્યારે છોટા ઉદેપુર બેઠક પર વિધાનસભા વિપક્ષના પુર્વ નેતા સુખરામ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેમ છે.
આ વિસ્તારમાંથી રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે ત્યારે સુખરામ રાઠવા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે. જોકે, અમદાવાદ પૂર્વના ઉમેદવારે અન્ય પક્ષના રાજકીય-વ્યાપારિક સબંધ ખાતર છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતાં હાઈકમાન્ડ ખફા થયુ છે. હવે આ બેઠક પર નવા ઉમેદવારની શોધખોળ શરૂ કરાઈ છે. આજે મોડી રાત સુધી દિલ્હીમાં કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને મંથન થયા બાદ નામો પર ફાઈનલ મહોર મારવામાં આવી હતી. એકાદ દિવસમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે.