EXIT POLLમાં બહુમતી છતાં આ મહત્ત્વની બેઠકો પર ભાજપની હાર, એક જ પોલમાં વિપક્ષની જીત

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
EXIT POLLમાં બહુમતી છતાં આ મહત્ત્વની બેઠકો પર ભાજપની હાર, એક જ પોલમાં વિપક્ષની જીત 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ પોલમાં ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી રહી હોય તેવું લાગે છે. આ બમ્પર જીતના અનુમાન છતાં ઘણી હોટ બેઠકો છે જ્યાં એક્ઝિટ પોલમાં ભાજપની હાર થતી જોવા મળી રહી છે.

બંગાળની બસીરહાટ બેઠક

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફાયદો થતો જણાય છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 42માંથી 31 બેઠક મળી શકે છે. તૃણમૂલને 11થી 14 બેઠકો અને I.N.D.I.A. ગઠબંધનને એક-બે બેઠકો મળી શકે છે. જો કે આ બધું હોવા છતાં હોટ બેઠક કહેવાતી બસીરહાટ પર ભાજપને ઝટકો લાગી શકે છે.

બસીરહાટ બેઠક પર બધાની નજર છે કારણ કે ભાજપે આ બેઠક પરથી સંદેશખાલી પીડિતને ટિકિટ આપી હતી. સંદેશખાલી વિસ્તાર બસીરહાટ લોકસભા બેઠક હેઠળ આવે છે અને અહીં કેટલીક મહિલાઓ પર દુષ્કર્મ અને જમીન પડાવી લેવાનો મામલો ખૂબ ચર્ચામાં હતો. સંદેશખાલી પીડિત રેખા પાત્રાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ એક્ઝિટ પોલના અંદાજ અનુસાર, તેઓ તૃણમૂલના ઉમેદવાર હાજી નુરુલ ઈસ્લામ સામે હારી જતા જોવા મળે છે.

અમરાવતી બેઠક નવનીત રાણાની હારનો દાવો

ભાજપના નેતા નવનીત રાણાને પણ અમરાવતી બેઠકથી હારનો સામનો કરવો પડી શકે છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ (SOP)ના એક્ઝિટ પોલમાં નવનીત રાણા કોંગ્રેસના ઉમેદવાર બળવંત બસવંત વાનખેડે સામે હારી રહ્યા છે.

તમિલનાડુની કોઈમ્બતુર બેઠક ચર્ચામાં

તમિલનાડુના કોઈમ્બતુર બેઠકથી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈને ઝટકો લાગી શકે છે. એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર કે. અન્નામલાઈ ડીએમકે નેતા પી. ગણપતિ રાજકુમાર સામે હારી શકે છે.

ચંડીગઢમાં ભાજપને ઝટકો લાગી શકે છે

ચંડીગઢમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. અહીંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીને લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપે અહીંથી સંજય ટંડનને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ આ બેઠક પરથી ભાજપના નેતા કિરણ ખેર જીત્યા હતા.

હૈદરાબાદથી ઓવૈસી જીતી શકે છે!

હૈદરાબાદ બેઠક પર ભાજપે અસદુદ્દીન ઓવૈસી સામે મહિલા નેતા માધવી લતાને મેદાને ઉતાર્યા છે. જો કે, આ બેઠક એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે. જો કે, એક્ઝિટ પોલ પ્રમાણે અહીંથી ઓવૈસી જીતી રહ્યા છે. 

અમેઠી-રાયબરેલીમાં શું થશે? 

હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલાં ભાજપના દિગ્ગજ મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની પરાજય તરફ જતાં દેખાઈ રહ્યા છે. તેમની સામે સોનિયા ગાંધીના ખાસ વ્યક્તિ કે.એલ. શર્મા જીતી રહ્યા છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીનો દાવો છે કે યુપીની અમેઠી, રાયબરેલી અને જોનપુર બેઠક I.N.D.I.A. ગઠબંધન જીતી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વખતે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક જીતી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ તો આ વખતે અમેઠીથી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરીને તેઓ જીતી રહ્યાં છે. તેમની સામે ભાજપના નેતા દિનેશ પ્રતાપ સિંહ ફરી એકવાર હારતા દેખાય છે.

યુપીમાં ભાજપની હાલત કફોડી! 

ડીબી લાઈવ (દેશબંધુ) પર દર્શાવેલા એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં NDAને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં NDAને માત્ર 46 થી 48 સીટો મળી શકે છે, જ્યારે I.N.D.I.A.ને 32 થી 34 સીટો મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 11થી 13 બેઠકો અને તૃણમૂલને 26થી 285 બેઠકો મળી શકે છે. એકમાત્ર દેશબંધુ એક્ઝિટ પોલ  પ્રમાણે, એનડીએને નહીં પણ I.N.D.I.A. ગઠબંધનને બહુમતી મળશે. સોશિયલ મીડિયા પર પણ આ એક્ઝિટ પોલની ખૂબ ચર્ચા થઈ રહી છે.

NDAને 350થી વધુ બેઠક મળવાનું અનુમાન

આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ 350થી વધુ અને I.N.D.I.A ગઠબંધનને 125થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  


Google NewsGoogle News