મને મત નહીં આપો તો વીજળી કાપી નાંખીશું: કોંગ્રેસના ધારાસભ્યની ખુલ્લી ધમકી, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
Lok Sabha Elections 2024: લોકસાભા ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર મેદાનમાં અનેક વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે આવી રહી છે. આ દરમિયાન કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજુ કાગે એવું નિવેદન આપ્યું હતું, જેના કારણે તેઓ વિવાદમાં સપડાયા છે. ચૂંટણી રેલીને સંબોધતા રાજુ કાગેએ મતદારોને ધમકી આપતા કહ્યું કે, 'જો મને મત નહીં આપો તો તમારી વીજળી કાપી નાંખીશું.' રાજુ કાગેના આ નિવેદન બાદ ચૂંટણી પંચે તેમને નોટિસ મોકલી જવાબ માગ્યો છે.
રાજુ કાગેના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ
30મી એપ્રિલે કાગવાડથી કોંગ્રેસના ધારાસભ્ય રાજુ કાગે બેલગવી જિલ્લામાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે, 'જો મને વધુ મત નહીં મળે તો અમે તમારી વીજળી કાપી નાખીશું. તેથી આવું ન થવું જોઈએ. યાદ રાખ જો હું જે કહું છું એ કરીને બતાવું છું.' ઉલ્લેખનીય છે કે, રાજુ કાગેના આ વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે ભાજપે સાધ્યું નિશાન
રાજુ કાગેના વિવાદિત નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપે આ નિવેદનને રાહુલ ગાંધીના પ્રેમની દુકાન સાથે જોડીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, ‘તેઓ (કોંગ્રેસ) કહે છે પ્રેમની દુકાન, પરંતુ આ તો ધમકીઓના ભાઈજાન છે.'