'સાંજ સુધીમાં પુરાવા રજૂ કરો', ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા જયરામ રમેશ પાસે માંગ્યો જવાબ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
'સાંજ સુધીમાં પુરાવા રજૂ કરો', ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા જયરામ રમેશ પાસે માંગ્યો જવાબ 1 - image


Lok Sabha Elections 2024: કોંગ્રેસના નેતા જયરામ રમેશની અપીલને ચૂંટણી પંચે ફગાવી દીધી છે અને આજે (ત્રીજી જૂન) સાંજે સુધીમાં તેમણે લગાવેલા આરોપોના પુરાવા રજૂ કરવા કહ્યું છે. જયરામ રમેશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે, 'લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ અમિત શાહે દેશભરના 150 જિલ્લા કલેક્ટરને ફોન કર્યા હતા.' કોંગ્રેસ નેતાએ પોતાના આરોપ સાબિત કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ ચૂંટણી પંચે કહ્યું છે કે 'તમને એક એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે નહીં, તમે આજે સાંજે જ પુરાવા રજૂ કરો.'

અફવા ફેલાવવી અને બધા પર શંકા કરવી યોગ્ય નથી: રાજીવ કુમાર

ચૂંટણી પંચે જયરામ રમેશને સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં આ આરોપોનો જવાબ આપવા કહ્યું છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી અમિત શાહ 150 જિલ્લા કલેક્ટરને ફોન કર્યા હતા. આ સ્પષ્ટપણે એક ધમકી છે, જે દર્શાવે છે કે ભાજપ કેટલી ડરમાં છે. અધિકારીઓએ કોઈપણ દબાણમાં આવવું જોઈએ નહીં અને બંધારણનું પાલન કરવું જોઈએ.' નોંધનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'અફવા ફેલાવવી અને બધા પર શંકા કરવી યોગ્ય નથી.'

ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને લખ્યો પત્ર

ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખીને કહ્યું કે, 'તમારો આરોપ છે કે લગભગ 150 સંસદીય મતવિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે આવતીકાલે (ચોથી જૂને) યોજાનારી મતગણતરી પ્રક્રિયાની પવિત્રતા પર ગંભીર અસર કરે છે. કોઈપણ ડીએમએ તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ અયોગ્ય પ્રભાવની જાણ કરી નથી. તેથી કમિશન સંપૂર્ણ રીતે સમય વધારવાની તમારી વિનંતીને ફગાવે છે.'

ભારતની ચૂંટણી ઐતિહાસિક 

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણી પંચે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, 'આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ મતદાન કર્યું હતું.' 

'સાંજ સુધીમાં પુરાવા રજૂ કરો', ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા જયરામ રમેશ પાસે માંગ્યો જવાબ 2 - image


Google NewsGoogle News