ચૂંટણીમાં AIનો દુરુપયોગ કરનારા પર સકંજો કરવા ચૂંટણી પંચ અને ગૂગલ તૈયાર, જાણો શું બનાવ્યો પ્લાન

ભારતમાં AIની બોલબાલા વધતા અને અગાઉની ચૂંટણીઓમાં પણ ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ સતર્ક

વિવિધ પક્ષોના નેતાઓ અને ઉમેદવારોની ખોટી માહિતી, કન્ટેન્ટ કે વીડિયો વાયરલ થતો અટકાવવા EC-ગૂગલ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં AIનો દુરુપયોગ કરનારા પર સકંજો કરવા ચૂંટણી પંચ અને ગૂગલ તૈયાર, જાણો શું બનાવ્યો પ્લાન 1 - image


Lok Sabha Elections 2024 : છેલ્લા ઘણા સમયથી ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) ખૂબ ચર્ચામાં છે, તેમજ ઘણા દિગ્ગજ સેલિબ્રિટીના ડીપફેક વીડિયો (Deepfake Video) પણ વાયરલ થવાની ઘટનાઓ સામે આવી છે. ડીપફેકનો ઉપયોગ ચૂંટણીઓમાં પણ થઈ શકે છે. કેટલાક તત્વો કોઈ મોટા નેતાનો ફેક વીડિયો બનાવી તમને છેતરી પણ શકે છે. હવે દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેથી આવી ડીપફેક ઘટનાઓને રોકવી પણ ખૂબ જરૂરી છે, તેથી ચૂંટણી પંચે (Election Commission) પણ AIનો દુરુપયોગ કરનારાઓ સામે સકંજો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચ અને ગૂગલ (Google) વચ્ચે કરાર થયો છે.

ડીપફેકને અટકાવવા ગૂગલે બનાવ્યો પ્લાન

હાલના સમયમાં એઆઈની બોલબાલા વધતા હવે તેનો ખતરો રાજકીય નેતાઓ પર આવી ચઢ્યો છે. એઆઈનો ઉપયોગ કરી અને ડીપફેકથી ફેક વીડિયો બનાવી કોઈ નેતા, ઉમેદવાર કે કોઈપણ વ્યક્તિની ખોટી માહિતી વાયરલ કરી એક સામાન્ય વાત બની ગઈ છે, તેથી આવી ઘટનાઓ ચૂંટણીમાં થતી અટકાવવા ચૂંટણી પંચે ગૂગલ સાથે કરાર કર્યો છે. કરાર મુજબ ગૂગલ આવનારા સમયમાં યૂ-ટ્યુબ અને સર્ચમાં ચૂંટણી સંબંધિત સટીક માહિતી યુઝર્સને પુરી પાડશે. તમામ યુઝર્સોને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં મતદાન કરવા અંગેની યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવશે. ચૂંટણી દરમિયાન AI જનરેટેડ ફેક કંન્ટેન્ટ અને વીડિયો અટકાવવા ચૂંટણી પંચ અને ગૂગલ તમામ પ્રયાસો કરશે. તેમાં કેટલાક એવા પણ ફિચર્સ અપાશે, જેનાથી સામાન્ય યુઝર્સો ફેક માહિતીની ઓળખ કરી શકશે. મળતા અહેવાલો મુજબ ડીપફેક વીડિયો બનાવી વાયરલ કરનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરાશે.

આ લોકો બન્યા ડીપફેકનો શિકાર

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર-2023માં સ્લોવાકિયામાં સામાન્ય ચૂંટણીઓ (Slovakia Election) યોજાઈ હતી, જેમાં પ્રોગેસિવ સ્લોવાકિયા પાર્ટીના નેતા સિમેકાની હાર થઈ હતી. ચૂંટણી બે દિવસ પહેલા સિમેકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, ‘ચૂંટણી જીત્યા બાદ બીયરની કિંમતો બમણી કરી દઈશું.’ જોકે બાદ એવી હકીકત સામે આવી કે, તેઓ આવું કોઈપણ બોલ્યા ન હતા. પરંતુ કોઈએ ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમનો ફેક વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ એવું થયું કે, ચૂંટણીના પરિણામોમાં સિમેકાની હાર થઈ. થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden)નો ચૂંટણીલક્ષી નકલી અવાજનો પણ વીડિયો વાયરલ થયો હતો.

ભારતીય દિગ્ગજો પણ થયા શિકાર

ભારતમાં પણ થોડા દિવસો પહેલા અક્ષય કુમાર (Akshay Kumar) અને સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandana)નો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો અને દિગ્ગજ સેલિબ્રિટીથી લઈને ઘણા લોકો રોષે ભરાયા હતા. આ ઉપરાંત તેલંગણાની ચૂંટણીમાં પણ પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (K. Chandrasekhar Rao)નો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કોંગ્રેસ પક્ષમાં મતદાન કરવાનું કહી રહ્યા હતા. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો રાજસ્થાનમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)ના અવાજમાં વૉટ્સઅપ પણ તેમના નામથી કૉલ કરવામાં આવતા હતા, જે સંપૂર્ણ ફેક હતા.


Google NewsGoogle News