ચૂંટણી પરિણામ પછી એકનાથ શિંદેના તેવર પણ બદલાઈ ગયા, મોદી મંત્રીમંડળમાં માંગ્યા મંત્રીપદ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેના તેવર પણ બદલાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદે મોદી 3.0 કેબિનેટમાં બે મંત્રી પદ માગ્યા છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના (શિંદે જૂથ)એ પહેલી ચૂંટણીમાં જ સાત બેઠક જીતી છે. નોંધનીય છે કે, એકનાથ શિંદેએ જીતેલા સાંસદોની બેઠક બોલાવી હતી અને આ તમામ સાંસદોનું સન્માન કર્યું હતું.
એકનાથ શિંદે એનડીએની બેઠકમાં હાજરી આપશે
શુક્રવારે (સાતમી જૂન) દિલ્હીમાં એનડીએના પક્ષોની બેઠક છે. એકનાથ શિંદે આ બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન તેમણે ભાજપના નેતાઓને તેમની માંગણી વિશે જણાવી ચૂક્યા છે. ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ભાજપના નેતાઓ વચ્ચેની કડવાશ સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારીને તેમના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.
ઉમેદવાર પસંદગીમાં ભાજપની દખલગીરીથી નારાજ
સૂત્રોના જણાવ્યાનુસાર, શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ મુંબઈ દક્ષિણ, નાસિક, હિંગોલી અને યવતમાલ જેવી લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં ભાજપની દખલથી અસંતુષ્ટ છે. નેતાઓએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઉમેદવારો લાદ્યા હતા. તેની અસર પરિણામ પર જોવા મળી હતી. આ વિવાદ વચ્ચે એકનાથ શિંદેએ શિવસેના (શિંદે જૂથ)ના સાંસદોની બેઠક બોલાવી હતી, જેમાં મોદી મંત્રીમંડળમાં પદ અંગે ચર્ચા કરી હતી.
2024ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાનું પ્રદર્શન
શિંદેના નેતૃત્ત્વમાં સત્તાધારી શિવસેના (શિદે જૂથ)એ મહારાષ્ટ્રની 15માંથી સાત લોકસભા બેઠકો જીતી હતી, જેમાં શિંદેના ગઢ થાણેનો સમાવેશ થાય છે. જો કે, શિવસેના (ઉદ્ધવ જૂથ)ને મુંબઈની બે મોટી લોકસભા બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે.