લોકસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ 94000 રેલીઓ આ રાજ્યમાં થઇ, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે (પહેલી જૂન) આઠ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી માટે લગભગ અઢી મહિનાના લાંબા અભિયાનમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓનું આયોજન કરવા માટે લગભગ 94,975 અરજીઓને મંજૂરી આપી હોવાનો ખુલાસો થયો છે.
ચૂંટણી પંચને પ્રચાર માટે કેટલી અરજીઓ મળી?
અહેવાલ અનુસાર, લોકસભા ચૂંટણીના સાત તબક્કાના પ્રચાર દરમિયાન ચૂંટણી પંચને લગભગ 1,19,276 અરજીઓ કરવામાં આવી હતી અને પંચે 94,975 રેલીઓ, જાહેર સભાઓ અને અન્ય પ્રકારના પ્રચાર માટે મંજૂરી આપી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, પંશ્ચિમ બંગાળ ઉત્તર 24 પરગણામાં લગભગ 10,245 ચૂંટણી રેલીની મંજૂરી આવી હતી, જ્યાં બે લોકસભા બેઠકો - બસીરહાટ અને બારાસતમાં છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું.
ચૂંટણીમાં હેલિકોપ્ટરનો ઉપયોગ
ચૂંટણી પંચને હેલિકોપ્ટર અને હેલિપેડના ઉપયોગ માટે કેટલી અરજીઓ મળી છે, તેના આંકડા પણ સામે આવ્યા છે. 890 અરજીઓમાંથી ચૂંટણી પંચે 669 કેસમાં હેલિકોપ્ટરના ઉપયોગની મંજૂરી આપી છે. તૃણમૂલ કોંગ્રેસને 521 મંજૂરી મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 124 વાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાની મંજૂરી મળી છે.
ચૂંટણી પંચે સાત તબક્કાના ઓપરેશનમાં 440 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને મફત વસ્તુઓ જપ્ત કરી છે. ઓપરેશન દરમિયાન 110 કરોડ રૂપિયાનો દારૂ, 91 કરોડ રૂપિયાનો મફત સામાન અને 34 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન લગભગ 852 કિલો વિસ્ફોટક, 1605 ક્રૂડ બોમ્બ અને 707 હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સી-વિજિલ એપ દ્વારા નોંધાયેલી ફરિયાદોના સંદર્ભમાં, 40,806 ફરિયાદો મળી હતી, 36,295 પર કાર્યવાહી કરવામાં આવી હતી, 4,443 ફરિયાદો નકારી કાઢવામાં આવી હતી અને 68 પેન્ડિંગ છે.