'તિહાર જેલમાં મારું ઇન્સ્યુલિન 15 દિવસ બંધ કરી દીધું હતું', રોડ શો દરમિયાન બોલ્યા અરવિંદ કેજરીવાલ
Lok Sabha Elections 2024: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10મી મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ આજે (11મી મે) તેમણે દિલ્હીમાં રોડ શો શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, 'ચેથી જૂને I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે.' આ ભવ્ય રોડ શોમાં કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આપના અનેક વરિષ્ઠ નેતાઓએ જોડાયા હતા.
સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી
દિલ્હીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આજે દેશને તાનાશાહીથી બચાવવાનો છે, એટલા માટે તમારો સાથ જોઈએ. જેલથી આવ્યા બાદ મેં અનેક લોકો સાથે વાત કરી છે. તમામ જગ્યાએ તેની બેઠકો ઓછી થઈ રહી છે. ચોથી જૂને I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે અને તેમાં આપ સામેલ હશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીને રહીશું. આજે ઈતિહાસ બદલાઈ રહ્યો છે. સાતેય બેઠકો I.N.D.I.A. ગઠબંધનને આપી દો તો દેશનું ભાગ્ય અને દિશા બદલાશે. તમે મારો ખુબ સાથ આપ્યો.'
જેલ ગયો તો બંધ કરી દીધું હતું મારું ઇન્સ્યુલિન : અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું કે, 'તેમણે મારી ધરપકડ કરી તો હું એ વિચારી રહ્યો હતો કે મારો ગુનો શું છે. ગુનો એ છે કે દિલ્હીવાળાઓ માટે સારી શાળા બનાવી, સરકારી હોસ્પિટલ સારી કરી, તમારા લોકો માટે મફત સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવી પરંતુ જ્યારે હું તિહાર જેલ ગયો તો તેમણે મારું ઇન્સ્યુલિન 15 દિવસ માટે બંધ કરી દીધું. જ્યારે હું બહાર હતો તો રોજ 52 યૂનિટ ઇન્સ્યુલિન લેતો હતો, ત્યાં તેમણે મારું ઇન્સ્યુલિન બંધ કરી દીધું.'
'વડાપ્રધાન મોદી આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે': સીએમ કેજરીવાલ
રોડ શો પહેલા એક પ્રેશ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું હતું કે 'મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે'? આ ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું કે 'જો ભાજપની સરકાર બનશે તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીને હટાવશે. ત્યારબાદ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.'
કેજરીવાલ જેલમાંથી બહાર આવતા આપને રાહત મળી
નોંધનીય છે કે કેજરીવાલ જેલમાંથી બહાર આવવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે, કારણ કે તેઓ AAPના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે. આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો યોજાશે.