AAPના થીમ સોંગથી ચૂંટણી પંચને વાંધો, આતિશીએ કહ્યું- ‘તેઓ તાનાશાહી કરે તો યોગ્ય, અમે ગીત લખીએ તો ખોટું’
Delhi Lok Sabha Elections 2024 : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના થીમ સોંગ પર વાંધો ઉઠાવ્યો છે. ત્યારે આ મામલે દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશી માર્લેના (Atishi Marlena)એ ભાજપને આડે હાથ લીધી છે.
‘થીમ સોંગમાં ક્યાં પણ ભાજપનો ઉલ્લેખ નહીં’
તેમણે કહ્યું કે, ‘જ્યારે BJP ઈડી-સીબીઆઈનો ઉપયોગ કરી વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દે છે, ત્યારે ચૂંટણી પંચને આ બાબતે કોઈ વાંધો નથી, પરંતુ જો અમે આ બાબતને અમારા ગીતમાં રજુ કરીએ તો ચૂંટણી પંચને વાંધો પડે છે. ભાજપ તાનાશાહી કરે તો યોગ્ય અને જો તેમના વિરુદ્ધ કોઈ પ્રચાર કરે તો તે ખોટું... AAPના થીમ સોંગમાં ક્યાં પણ ભાજપના નામો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે, જો તમે તાનાશાહ શબ્દનો ઉપયોગ કરી સરકારને નિશાન બનાવી રહ્યા છો.
લોકશાહી ખતરામાં : આતિશી
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘જે રીતે કોંગ્રેસ (Congress)નું બેંક એકાઉન્ટ સીલ કરાયું છે અને હવે AAPના થીમ સોંગ પર પ્રતિબંધ મુકાયો છે, તે જોતા સ્પષ્ટ દેખાય છે કે, દેશમાં લોકશાહી ખતરામાં છે. એવું ન બને કે, 2024ની ચૂંટણીમાં લોકશાહીની હત્યા થઈ હોય, એવી રીતે લોકો યાદ કરે. શું ચૂંટણી પંચ ઈચ્છે છે કે ED અને CBIનું રાજકીયકરણ લોકોની સામે ન આવે?
‘ચૂંટણી પંચ ભાજપનું હથિયાર’
તેમણે ચૂંટણી પંચ (Election Commission)ને ભાજપનું હથિયાર કહી કહ્યું કે, સત્ય એ છે કે, તાનાશાહ સરકારોમાં વિરોધ પક્ષોને પ્રચાર કરતા અટકાવાય છે. આજે આવું જ બન્યું છે. ભાજપના વધુ એક હથિયાર ચૂંટણી પંચે AAPના પ્રચાર ગીત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચને ભાજપ દ્વારા રોજ થતો આચારસંહિતાનો ભંગ થતો દેખાતો નથી, પરંતુ જ્યારે પણ AAPના નેતાઓ જો શ્વાસ પણ લે તો તેમને નોટિસો આવી જાય છે.’