Lok Sabha Elections 2024 : કોંગ્રેસે ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ
Congress Candidates Final List : લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો નામ છે, એટલે કે કોંગ્રેસે 312 બેઠકો પર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત કયા કયા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, તેની પણ માહિતી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 421 બેઠકો પર ઉમેદારો મેદાનમાં ઉતાર્યા હતા.
રાયબરેલીમાં ચૂંટણી ક્યારે યોજાશે?
આ યાદીમાં તમામ ઉમેદવારોના નામ છે. રાયબરેલી (Raebareli)ના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ પણ આ યાદીમાં સામેલ છે. રાયબરેલી અને અમેઠીમાં પાંચમાં તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે અમેઠી (Amethi)માં કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે. જ્યારે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સામે કોંગ્રેસના અજય રાય (Ajay Rai) મેદાનમાં છે. અહીં સાતમાં તબક્કામાં મતદાન થવાનું છે.
ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ત્રીજા તબક્કામાં આજે દેશના 11 રાજ્યોની 93 બેઠકો પર થયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, મધ્યપ્રદેશની નવ, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. આજે ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેમની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારનો સમાવેશ થાય છે.