'4 જૂને નવી સવાર થશે અને દેશમાં...', સાતમા તબક્કાના મતદાન વચ્ચે રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો
Lok Sabha Elections 2024: દેશની 57 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 'ચાર જૂને એક નવી સવાર થવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી માટે આજે મતદાનનો છેલ્લો તબક્કો છે. ઉલ્લેખનીય છે કે આજે મતદાન પૂર્ણ થયા બાદ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે.
ચાર જૂનનો સૂર્ય દેશમાં એક નવી સવાર લાવશે
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અત્યાર સુધીના ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મને ગર્વ છે કે આકરી ગરમીમાં પણ તમે બધા લોકશાહી અને બંધારણની રક્ષા માટે મતદાન કરવા બહાર આવ્યા છો. આજે પણ મોટી સંખ્યામાં બહાર આવો અને અહંકાર અને અત્યાચારનું પ્રતિક બની ગયેલી આ સરકાર સામે તમારા મતથી અંતિમ પ્રહાર કરો. ચાર જૂનનો સૂર્ય દેશમાં એક નવી સવાર લાવશે.'
6 તબક્કામાં 486 બેઠકો પર મતદાન થયું હતું.
દેશમાં લોકસભા 2024ની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં છ તબક્કામાં 486 લોકસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં આજે સવારે 7 વાગ્યાથી છેલ્લા 57 સંસદીય મતવિસ્તારોમાં મતદાન શરૂ થઈ ગયું છે.