'છેલ્લા ચાર દાયકામાં આ બે બેઠક અમે જીતી જ નથી’, સુરત-ઈન્દોર બેઠક મુદ્દે કોંગ્રેસનું વિચિત્ર નિવેદન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે સુરત અને ઈન્દોર લોકસભા બેઠક ગુમાવી દીધી છે. આ મામલે કોંગ્રેસે નેતા જયરામ રમેશે વિચિત્ર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, 'કોંગ્રેસ છેલ્લા ચાર દાયકામાં આ બે બેઠક ક્યારેય જીતી શકી નથી. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવ્યા હતા, તેથી બંને ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા અને તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા.'
જયરામ રમેશના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસના મીડિયા સેલ પ્રભારી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'કોંગ્રેસે વર્ષ 1984 પછી સુરત અને ઈન્દોર લોકસભા બેઠકો જીતી નથી. આમ છતાં બંને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવ્યા અને લોકસભા 2024ની ચૂંટણીમાં તેઓની ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરાયું હતું. ભાજપના ગઢમાં પણ વડાપ્રધાન આટલા કેમ ડરે છે?'
કોંગ્રેસના ઉમેદવારે અક્ષય કાંતિ બમે ફોર્મ પાછું ખેંચ્યું હતું
નોંધનીય છે કે, સુરત લોકસભા બેઠક બાદ મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક પર કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. ઈન્દોર બેઠકથી પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાચી ખેંચી હતી. એટલું જ નહીં, કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતી. ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13મી મેના રોજ મતદાન થશે.
અક્ષય કાંતિની મુશ્કેલીઓ વધી શકે છે
કોંગ્રેસને ઝટકો આપીને ભાજપમાં જોડાયેલા અક્ષય કાંતિ બમની મુશ્કેલીઓ વધી શકે છે. ઈન્દોરની એક કોર્ટે 17 વર્ષ પહેલા તેમની અને તેમના પિતા સામે નોંધાયેલી ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આરોપીઓને 10મી મેના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે.