Lok Sabha Elections 2024 : ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસને પડ્યો વાંધો, કહ્યું ‘સાત તબક્કાના કારણે...’

સાત તબક્કાથી 70-80 દિવસ સુધી વિકાસ કાર્યો અટકી જશે : કોંગ્રેસ અધ્યક્ષ

ચૂંટણી પંચે પક્ષપાત ન કરવો જોઈએ, ભલે તે કોઈ પણ હોય : આરજેડી સાંસદ

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024 : ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસને પડ્યો વાંધો, કહ્યું ‘સાત તબક્કાના કારણે...’ 1 - image


Lok Sabha Elections 2024 : ચૂંટણી પંચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી છે, જે મુજબ 19 એપ્રિલથી એક જૂન વચ્ચે સાત તબક્કામાં મતદાન યોજાશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસ અને આરજેડીએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે, તો આરજેડીના સાંસદે ચૂંટણી પંચ પર પક્ષપાતીનો આક્ષેપ કર્યો છે.

ચૂંટણી ત્રણ ચાર તબક્કામાં પૂરી થઈ શકતી હતી : ખડગે

ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે, ‘સાત તબક્કાના કારણે 70-80 દિવસ સુધી લગભગ તમામ વિકાસ કાર્યો અટકી જશે. આચારસંહિતા લાગુ થયા બાદ દેશ કેવી રીતે પ્રગતિ કરશે, તેની તમે કલ્પના કરી શકો છો. આ દરમિયાન લોકો ફરી નહીં શકે, સામાનોની સપ્લાય અટકી જશે અને બજેટ ખર્ચ પણ બગડશે. મારા મતે આ યોગ્ય નથી. ચૂંટણી ત્રણ ચાર તબક્કામાં પૂરી થઈ શકતી હતી.’

આપણે હજુ પણ સાત તબક્કાની પ્રક્રિયામાં અટવાયેલા છીએ : અધીર રંજન

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ કહ્યું કે, જો ચૂંટણી પંચ ઈચ્છે તો 10 તબક્કામાં પણ ચૂંટણી કરાવે. ગત વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આના પરથી લાગી રહ્યું છે કે, કંઈપણ બદલાયું નથી. આપણે હજુ પણ સાત તબક્કાની પ્રક્રિયામાં અટવાયેલા છીએ. આપણે ડિજિટલ ઈન્ડિયાની વાતો કરીએ છીએ, પરંતુ સાત તબક્કામાં ફસાયેલા છીએ. સાથે જ જો જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હોત તો તે સારી વાત હોત. આપણે સપ્ટેમ્બર સુધી રાહત કેમ જોઈ રહ્યા છીએ?

‘પીએમ મોદીને વધુ લાભ મળે તે માટે...’

કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગે (Priyank Kharge)એ પણ ચૂંટણી તારીખોની જાહેરાત પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, ‘ચૂંટણી પંચે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ને લાભ થાય તેવી રીતે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપના સ્ટાર પ્રચારકોને દેશભરમાં સરળતાથી ફરવાનો વધુ સમય મળે તે રીતે ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરાઈ છે. અમે આમાં કશું જ કરી શકતા નથી.’

ચૂંટણી પંચે પક્ષપાત ન કરવો જોઈએ : મનોજ ઝા

રાજદ સાંસદ મનોજ કુમાર ઝા (Manoj Kumar Jha)એ ચૂંટણીની તારીખો અંગે પ્રતિક્રિયા આપી કહ્યું કે, ‘મુખ્ય ચૂંટણી કમિશનરે તારીખોની જાહેરાત કરી દીધી છે. ગત વખતની તુલનાએ આ વખતે ચૂંટણીનો સમયગાળો જૂન સુધી વધારાયો છે. અમે કેટલાક વર્ષો દરમિયાન ચૂંટણી પંચને ઘણી ફરિયાદો કરી હતી, પરંતુ ક્યારે કોઈ ચર્ચા ન થઈ. લોકશાહી માટે સૌથી મોટો ખતરો મની પાવર છે અને તે આપણે ચૂંટણી બોન્ડ અને નિંદનીય ભાષણ જોયા છે. ચૂંટણી પંચે પક્ષપાત ન કરવો જોઈએ, ભલે તે પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા હોય કે પછી વડાપ્રધાન કે પછી વરિષઅઠ વિપક્ષી નેતા અથવા ગૃહમંત્રી.

ચૂંટણી પંચે આજે લોકસભા, વિધાનસભા અને પેટા-ચૂંટણીની તારીખો જાહેર કરી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Elections 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Election)ઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી દીધી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. રાજ્યમાં 12 એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ નિર્ધારીત કરાઈ છે. રાજ્યની ચૂંટણીઓના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે.


Google NewsGoogle News