18 દિવસ પહેલાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી મેયરને પસ્તાવો, કહ્યું - મને માફ કરી દો, ભૂલ થઇ ગઈ
Lok Sabha Elections 2024 | ભાજપમાં જોડાઈને મારાથી ભૂલ થઇ ગઇ. કોઈ બીજી પાર્ટીનું સભ્યપદ લઇને મન વિચલિત થઇ રહ્યું હતું. મારે કમલનાથના વિકાસના કાર્યોમાં તેમને સાથ આપવાની જરૂર હતી. આ કહેવું છે કે એ વ્યક્તિનું જેણે 1 એપ્રિલે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયા ધારણ કર્યો હતો પરંતુ હવે ફક્ત 18 દિવસમાં જ તેનો મોહભંગ થઇ ગયો છે.
વીડિયોમાં કહ્યું - હું કમલનાથ સાથે....
વીડિયોમાં દેખાતો વ્યક્તિ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથનો નજીકનો વિક્રમ અહાકે છે. તે છિંદવાડાથી કોંગ્રેસનો મેયર હતો. હવે વિક્રમે એક વીડિયો જારી કરી તેના મન ની વાત કરી અને પ્રજા પાસે માફી માગતા છિંદવાડાથી કોંગ્રેસ નેતા નકુલનાથને જીતાડવા અપીલ કરી હતી. વિક્રમે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં મારી સાથે શું થશે ખબર નથી પણ હું કમલનાથ અને નકુલનાથ સાથે છું.
વિક્રમ અહાકેએ કહ્યું - મને ગભરામણ થવા લાગી....
છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વિક્રમ અહાકે 1 એપ્રિલના રોજ જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ મતદાનના દિવસે વિક્રમ અહાકેનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તાજેતરમાં હું જે પાર્ટીમાં જોડાયો તેમાં ગભરામણ મહેસૂસ કરી રહ્યો છું. હું જે ગૂંગળામણ અનુભવું છું તે હું સમજાવી શકતો નથી. આજે હું પોતે કોઈપણ ડર કે દબાણ વગર કબૂલ કરું છું કે મારાથી ભૂલ થઈ છે. વિક્રમ અહાકેનો આ વીડિયો વોટિંગના દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ વીડિયોએ છિંદવાડાના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.
વિક્રમ અહાકે કોણ છે?
વિક્રમ અહાકે છિંદવાડાના રાજાખોહ ગામના રહેવાસી છે. તેઓ છિંદવાડાના રાજકારણનો જાણીતો ચહેરો છે. તેઓ 30 વર્ષની વયે છિંદવાડાના મેયર બન્યા હતા. પિતાનું નામ નરેશ અહાકે છે, જેઓ વ્યવસાયે ખેડૂત છે. માતા આંગણવાડી કાર્યકર છે. જ્યારે વિક્રમ આહકે કોંગ્રેસની ટિકિટ પર મેયરની ચૂંટણી જીત્યા ત્યારે કોંગ્રેસને 18 વર્ષ બાદ છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મળી હતી.