VIDEO : CAA લાગુ થયા બાદ હિન્દુ શરણાર્થીઓની ઉજવણી, ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ
સીએએ લાગુ થયા બાદ રેફ્યુજી કોલોનીમાં રહેતા લોકોએ ઢોલ વગાડી ઉજવણી કરી
ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસ પહેલા જ એલર્ટ આપી દેવાયું હતું, દિલ્હીમાં પણ એલર્ટ
CAA Notification : કેન્દ્રની મોદી સરકારે આજે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યા બાદ ઘણા રાજ્યોમાં હિન્દુઓએ ઉજવણી શરૂ કરી દીધી છે, તો બીજીતરફ કેટલાક રાજ્યોમાં પોલીસ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તારીખો થોડા જ દિવસોમાં જાહેર થવાની સંભાવના વચ્ચે કેન્દ્ર સરકારે આજે (સોમવારે) સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ કાયદો લાગુ થયા બાદ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવાનો રસ્તો ખુલી ગયો છે. આ માટે તેઓએ કેન્દ્ર સરકારના ઑનલાઈન પોર્ટલ પર અરજી (Online Portal Application) કરવાની રહેશે.
હિન્દુ શરણાર્થીઓએ ઉજવણી
ભારતમાં રહેતા હિંદુ શરણાર્થીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીના મજનુ ટીલામાં રેફ્યુજી કોલોનીમાં રહેતા લોકોએ ઢોલ વગાડીને સીએએ લાગુ થવાની ઉજવણી કરી હતી. આ દરમિયાન બાળકો અને વડીલોએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
દિલ્હીમાં પોલીસ એલર્ટ
સીએએ લાગુ થયા બાદ દિલ્હીમાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસે ત્રિલોકપુરી, સીલમપુર સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ
સીએએ લાગુ થયા બાદ ઉત્તર પ્રદેશમાં સુરક્ષાને લઈને એલર્ટ જારી કરાયું છે. રાજ્યના ડીજીપી પ્રશાંત કુમારે તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ડીજીપી પ્રશાંત કુમારે ત્રણ દિવસ પહેલા પણ વીડિયો કોન્ફરન્સિંગથી તમામ જિલ્લાઓનાં અધિકારીઓને સીએએના અમલીકરણની સંભાવના અંગે એલર્ટ રહેવા આદેશ આપ્યા હતા. હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાના પોલીસ દળોની તહેનાત કરવાની સાથે વિશેષ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યું
કેન્દ્રની મોદી સરકારે સોમવારે સાંજે સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવી ગયો છે. આનો સીધો ફાયદો ભારતના પડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓને થશે. વર્ષ 2019માં નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન (Afghanistan), પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh)થી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ હતી. નિયમો મુજબ નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં છે.