માયાવતીએ કોંગ્રેસ-સપાનું વધાર્યું ટેન્શન, 16માંથી સાત મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતારી આપ્યો પડકાર
બીએસપીએ ઉત્તર પ્રદેશમાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી કોંગ્રેસ-સપાને ચોંકાવ્યા
કોંગ્રેસ-સપાએ જાહેર કરેલા મુસ્લિમ ઉમેદવારો સામે BSPએ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી (BSP Candidate List) જાહેર કરી છે. આ યાદી જાહેર કરી પાર્ટીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ચોંકાવી દીધા છે. બીએસપીએ યાદીમાં 16માંથી સાત મુસ્લિમ ચૂંટણી મેદાનમાં ઉતાર્યાછે. આ યાદી જોઈ એવું લાગી રહ્યું છે કે, ‘I.N.D.I.A’ ગઠબંધનને સીધો જ પડકાર મળવાનો છે. કારણ કે, બીએસપીએ જે સાત ઉમેદવારોને ટિકિટ આપી છે, તેમની સામે કોંગ્રેસ અને સપાના મુસ્લિમ ઉમેદવારો છે.
BSPએ સાત બેઠક પર મુસ્લિમ ઉમેવાર મેદાનમાં ઉતાર્યા
માયાવતીએ ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, હવે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાના તમામ પ્રયાસો સમાપ્ત થઈ ગયા છે. બીએસપીની યાદી મુજબ માયાવતીએ જે સાત બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તેના પરથી લાગી રહ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને નુકસાન થવાનું છે.
BSPની કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે ટક્કર
માયાવતીએ સહારનપુર, મુરાદાબાદ, રામપુર, સંભલ, અમરોહા, આંવલા અને પીલીભીત પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. કોંગ્રેસે સહારનપુર બેઠક પરથી ઈમરાન મસૂદને ટિકિટ આપી છે, તો માયાવતીએ માજિદ અલીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે અમરોહાથી દાનિશ અલીને, તો બીએસપીએ મુજાહિદ હુસૈનને ટિકિટ આપી છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ સંભલથી શફીકુર્રહમાન બર્કના પૌત્ર જિયાર્રહમાન બર્કને ટિકિટ આપી છે, તો બીએસપીએ સૌલત અલીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
BSPની દલિત વોટ બેંક પર પણ નજર
દલિત વોટ બેંક માટે જાણીતી BSPએ નગીના બેઠક પરથી ગિરીશ ચંદ્ર જાટવને ઉતાર્યા બાદ તેમની બેઠક બદલી બુલંદશહેરથી ટિકિટ આપી છે. જ્યારે સુરેન્દ્ર પાલ સિંહને નગીના બેઠકની પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત શાહજહાંપુરથી દોડારામ વર્માને ટિકિટ અપાઈ છે. જો જાટ વોટ બેંક અને OBC ઉમેદવારોની વાત કરીએ તો કૈરાના બેઠક પરથી શ્રીપાલ સિંહ, મુઝફ્ફરનગર બેઠક પરથી દારા સિંહ પ્રજાપતિ, બિજનૌર લોકસભા બેઠક પરથી વિજેન્દ્ર સિંહ, મેરઠથી દેવવ્રત ત્યાગી, બાગપતથી પ્રવીણ બંસલ અને ગૌતમ બુદ્ધનગર બેઠક પરથી રાજન સિંહ સોલંકીને મેદાનમાં ઉતર્યા છે.
ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસનું ગઠબંધન
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડી રહી છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ અને ટીએમસી સાથે ગઠબંધન કર્યું છે. સપા 62 બેઠકો અને કોંગ્રેસ 17 બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે એકમાત્ર ચંદૌલી બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર મેદાનમાં ઉતરશે.