એક્ઝિટ પોલમાં જીત છતાં આ રાજ્યોમાં ભાજપને એક-એક બેઠક જીતવામાં પણ પડી શકે છે ફાંફાં

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
એક્ઝિટ પોલમાં જીત છતાં આ રાજ્યોમાં ભાજપને એક-એક બેઠક જીતવામાં પણ પડી શકે છે ફાંફાં 1 - image

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા છે. આ વખતે ભાજપ 400થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે. આ ઉપરાંત મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે જોરશોરથી રેલીઓ અને જાહેર સભાઓ યોજી હતી. જો કે એવા ઘણાં રાજ્યો છે, જ્યાં ભાજપ અથવા એનડીએ ગઠબંધનને એક પણ બેઠક મળી નથી. ચાલો જાણીએ કે એવા કયા રાજ્યો છે જ્યાં ભાજપની એક પણ બેઠક નથી.

કેરળમાં ભાજપ હજુ ખાતું ખોલાવી શક્યું નથી

કેરળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 20 બેઠકમાંથી કોંગ્રેસ તેના સાથી પક્ષો સાથે મળીને 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી. શાસક સીપીએમને માત્ર એક જ બેઠક મળી હતી. મુસ્લિમ અને ખ્રિસ્તી પ્રભુત્ત્વ ધરાવતા આ રાજ્યમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યું નથી. કેરળમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 13 ટકા મત મળ્યા હતા. આ વખતે પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તાકાત બતાવી છે. આનાથી મતની ટકાવારી વધી શકે છે, પરંતુ ભાજપને બેઠકો મળે કે કેમ તે અંગે શંકા છે.

ગોવામાં ભાજપને એક પણ બેઠક મેળવવી બહુ મુશ્કેલ છે?

ગોવા જેવા નાના રાજ્યમાં માત્ર 2 લોકસભા બેઠકો છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા. આના પર જીત અને હાર વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે. 2014માં ભાજપે લોકસભાની બંને બેઠકો જીતી હતી. જ્યારે 2019માં શ્રીપદ નાઈક ઉત્તર ગોવાની બેઠક પરથી જીત્યા હતા, પરંતુ દક્ષિણ ગોવાની બેઠક ભાજપ હારી ગઈ હતી. આ વખતે ભાજપે પ્રથમ વખત દક્ષિણ ગોવાની બેઠક પરથી મહિલા ઉમેદવાર પલ્લવી ડેમ્પોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ, AAP અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપે પલ્લવી ડેમ્પોને એટલા માટે ઉમેદવાર બનાવ્યા છે કારણ કે, તે રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની છે. આવી સ્થિતિમાં ભાજપ માટે બંને બેઠકો જીતવી ખૂબ જ પડકારજનક રહેશે.

મેઘાલયમાં ભાજપ મેદાનમાં નથી

મેઘાલયમાં ભાજપે એક પણ ઉમેદવાર ઉતાર્યો નથી. કારણ કે, મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્વમાં નેશનલ પીપલ્સ ફ્રન્ટ (NPP) સાથે  ભાજપનું ગઠબંધન છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે એક બેઠક અને એનપીપીએ એક બેઠક જીતી હતી. 2014ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને એક બેઠક અને એનપીપીને એક બેઠક મળી હતી. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેની સ્પર્ધા માત્ર પીપીપી સાથે જ રહેશે.

મિઝોરમમાં ભાજપની જીત સરળ નથી

લોકસભા ચૂંટણીમાં ભાજપે મિઝોરમની એકમાત્ર લોકસભા બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વનલાલહમુઆકા આ બેઠક માટે લડી રહ્યા છે, રાજ્યમાં માત્ર એક જ લોકસભા બેઠક છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. મિઝો નેશનલ ફ્રન્ટે 2019માં આ સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસે 2014માં આ સીટ જીતી હતી. આવી સ્થિતિમાં આ બેઠક જીતવી ભાજપ માટે પડકાર બની શકે છે.

નાગાલેન્ડમાં ભાજપે ઉમેદવાર રાખ્યા નથી

નાગાલેન્ડમાં એક લોકસભા બેઠક ધરાવે છે. 2019માં NDPPના તોખેહો યેપ્થોમી અહીં જીત્યા હતા. ભાજપે અહીં કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નથી.

મણિપુરમાં માત્ર એક ઉમેદવાર

મણિપુરમાં લોકસભાની બે બેઠકો છે. ભાજપે અહીં માત્ર એક જ ઉમેદવાર ઉતાર્યો છે, જે આંતરિક મણિપુર બેઠકથી છે. આ ઉપરાંત NPFએ પૂર્વ IRS ટીમોથી ઝિમિકને ઉમેદવાર બનાવ્યા છે. ઝિમિક ઉખરુલ જિલ્લાનો રહેવાસી છે. ભાજપે તેમને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપના ઉમેદવાર ડૉ. રાજકુમાર રંજન સિંહ માત્ર એક જ બેઠક પર જીત્યા હતા. અગાઉની લોકસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસનો દબદબો હતો. આવી સ્થિતિમાં આ વખતે પણ ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લક્ષદ્વીપ અને પુડુચેરીમાં પણ જીતની શક્યતા ઓછી!

ભાજપે પણ લક્ષદ્વીપમાં અજિત પવાર જૂથના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપે વર્તમાન રાજ્યના ગૃહમંત્રી એ. નમસિવાયમને પુડુચેરીથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યાં એક લોકસભા બેઠક છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપ કે એનડીએમાંથી કોઈ જીતી શક્યું ન હતું. આ બેઠક યુપીએ ગઠબંધને જીતી હતી.

આ રાજ્યોમાં ભાજપની હારથી કેટલો ફરક પડશે?

લોકસભા 2024ની ચૂંટણીમાં જો ઉપરોક્ત રાજ્યોમાંથી કોઈ પણ બેઠક જીતી ન શકે તો ભાજપને બહુ ફરક નહીં પડે. કારણ કે અગાઉ પણ ભાજપે ત્યાં ઓછી બેઠક જીતી હતી. જો ભાજપ આ રાજ્યોમાં કેટલીક બેઠક જીતે તો પણ તેમના માટે બોનસ હશે.

NDAને 350થી વધુ બેઠક મળવાનું અનુમાન

આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ 350થી વધુ અને I.N.D.I.A ગઠબંધનને 125થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  

આ પણ વાંચો: EXIT POLLમાં બહુમતી છતાં આ મહત્ત્વની બેઠકો પર ભાજપની હાર, એક જ પોલમાં વિપક્ષની જીત



Google NewsGoogle News