ત્રણ પૂર્વ CM, 28 મહિલા ઉમેદવારો, 50 વર્ષથી નીચેના 47 નામો... ભાજપની પ્રથમ યાદીની સંપૂર્ણ વિગતો
ભાજપની પ્રથમ યાદીમાં 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવાર
યાદીમાં OBCના 57, SCના 27 અને STના 18 ઉમેદવાર
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી (BJP Candidate List) જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદી સહિત કુલ 195 ઉમેદવારોના નામ સામેલ કર્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય તેમજ રાજ્ય મંત્રીઓના નામ સામેલ છે. આ યાદીમાં લોકસભા અધ્યક્ષ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે.
ભાજપનો સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ
ભાજપે રાજસ્થાનના કોટાથી લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પ્રથમ યાદીમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (વિદિશા), આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ (દિબ્રૂગઢ) અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબ (ત્રિપુરા પશ્ચિમ)નું પણ નામ સામેલ છે. યાદીમાં ગુજરાતમાં 15 ઉમેદવારના નામ પણ જાહેર કરાયા છે, જેમાંથી 10 રિપિટ કરાયા છે. જ્યારે સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 51 નામ જાહેર કરાયા છે. ભાજપની પ્રથમ યાદી પર નજર કરીએ તો પાર્ટીએ તેમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. યાદીમાં પાર્ટીએ મહિલા, યુવા, ઓબીસી, SC, ST સહિત તમામ વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
યાદીમાં 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવારો
ભાજપની યાદીમાં 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારના નામ સામેલ છે. ભાજપે જે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, તેમાં 28 મહિલા ઉમેદવારો (Women Candidate)ના નામ સામેલ છે. જો ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો આ યાદીમાં 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવારોના નામ છે. યાદીમાં 57 ઓબીસી ઉમેદવાર, શેડ્યૂલ કાસ્ટ (SC)ના 27, શેડ્યુલ ટ્રાયબલ (ST)ના 18 ઉમેદવારના નામ સામેલ છે.
લોકસભા ચૂંટણી : ભાજપના પ્રથમ ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો
પ્રથમ યાદીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના ઉમેદવારના નામ
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ આજે શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે.