‘અમે મુસ્લિમોને જ આગળ નથી કરતા’, ઓવૈસીની પાર્ટીના બિહારમાં વધુ પાંચ ઉમેદવાર જાહેર, 50% હિંદુ
Lok Sabha Elections 2024 : અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમીન (AIMIM) બિહારમાં 15થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ આજે 28 માર્ચે વધુ પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઈમાને કહ્યું કે, અમારા પક્ષે પહેલા 10 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે અમે વધુ પાંચ બેઠકો પર ઉમેદવારો (AIMIM Candidate) ઉતારીશું. આ પાંચ બેઠકોમાં ગોપાલગંજ, શિવહર, દરભંગા, બાલ્મીકિનગર અને મધુબની બેઠકનો સમાવેશ થાય છે. અમે માત્ર મુસ્લિમોને જ આગળ કરતા નથી. અમે જે ઉમેદવારો ઉતાર્યા છે, તેમાં 50 ટકા હિન્દુ પરિવારના છે.
AIMIM બિહારની 40માંથી 15 બેઠકો પર ચૂંટણી લડશે
ઓવૈસીના પક્ષે બિહારની 40 બેઠકોમાંથી 15 બેઠકો કિશનગંજ, કારાકાટ, દરભંગા, પાટલિપુત્ર, શિવહર, પૂર્ણિયા, કટિહાર, અરરિયા, મધુબની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, બાલ્મિકી નગર અને સીતામઠી પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ આ બેઠકો પર કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઈમાન કિશનગંજ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
AIMIMના 50 ટકા ઉમેદવારો હિન્દુ : અખ્તરુલ ઈમાન
બિહાર એઆઈએમએઆઈએમના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ‘અમારી પાર્ટી રાજ્યમાં વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારવા પર વિચાર કરી શકે છે, જોકે હાઈકમાન્ડે અત્યાર સુધીમાં 15 બેઠકો પર જ મહોર મારી છે. અમારી પાર્ટીના ઉમેદવારો તમામ બેઠકો પર મબજૂતી સાથે ચૂંટણી લડશે અને જીત પણ મેળવશે. અમે માત્ર મુસ્લિમોને જ આગળ કરીએ છીએ, તેવું કોઈપણ કહી શકતું નથી. અમે જે ઉમેદવારો ઉતાર્યા છે, તેમાં 50 ટકા હિન્દુ પરિવારના ઉમેદવારો છે.’
I.N.D.A. ગઠબંધનનું ટેન્શન વધશે
ઓવૈસીની બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની જાહેરાતથી I.N.D.A. ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસીના ઉમેદવારો ચૂંટણી દરમિયાન મુસ્લિમોના વોટ કાપી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં ઈમ્તિયાઝ જલીલ ઔરંગાબાદ બેઠક પરથી જીત્યા હતા જ્યારે ઓવૈસી હૈદરાબાદથી સાંસદ છે. અખ્તારુલ ઈમાન બિહાર વિધાનસભાથી ધારાસભ્ય છે.