બિહારમાં ફરી રાજકીય ધમાસાણ, NDAમાં સામેલ પાર્ટીના સાંસદ સહિત 22 નેતાના રાજીનામા
બિહારમાં ચિરાગ પાસવાની પાર્ટી LJPRમાં ટિકિટ વહેંચણી મુદ્દે વિવાદ
LJPRના નેતાઓએ ચિરાગ પાસવાન પર ટિકિટ વેંચવાનો આક્ષેપ કર્યો
Lok Sabha Elections 2024 : બિહારમાં ફરી રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી પાંચ બેઠક પર ચૂંટણી લડી રહેલી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ (LJPR)ને મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવાય છે કે, પાર્ટીના લગભગ બે ડઝન નેતાઓએ ચિરાગ પાસવાનથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં પ્રદેશ સ્તરના પદાધિકારીઓ પણ સામેલ છે. આમાંથી કેટલાકે ચિરાગ પર ટિકિટ વહેંચવાનો આક્ષેપ કર્યો
ચિરાગ પાસવાને બહારના ઉમેદવારને ટિકિટ આપતા નેતાઓ નારાજ
મળતા અહેવાલો મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈ LJPRના 22 રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓએ રાજીનામું આપ્યું છે. ચિરાગ પાસવાને પાર્ટીને સમર્પિત થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓના બદલે બહારના ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય કરતા આ નેતાઓ નારાજ થયા છે. એવું કહેવાય છે કે, રાજીનામું આપનાર બળવાખોર સાંસદ વીણા દેવીને વૈશાલી બેઠક પરથી ફરી ઉમેદવાર બનાવાતા પણ નેતાઓ નારાજ થયા છે.
સાંસદ વીણા દેવીનું પણ રાજીનામું
એલજેપીઆર છોડનારા નેતાઓમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેણુ કુશવાહા, રાષ્ટ્રીય મહાસચિવ સતીશ કુમાર, પ્રદેશ સંગઠન સચિવ ઈ.રવિન્દ્ર સિંહ, નેતા અજય કુશવાહા, પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય સિંહ, પ્રદેશ મહાસચિવ રાજેશ દાંગી અને અન્ય નેતાો સામેલ છે. આ તમામ નેતાઓએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં તેમણે ચિરાગ પર ટિકિટ વહેંચવાનો પણ આક્ષેપ કર્યો છે.
ભાજપ 17, જેડીયુ 16, એલજેપીઆર પાંચ બેઠકો પર લડશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા બિહારમાં એનડીએમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટ શેયરિંગની સમજૂત થઈ હતી, તે મુજબ ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે, તો નીતિશ કુમાર (Nitish Kumar)ની આગેવાની હેઠળની જેડીયુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત ચિરાગ પાસવાન (Chirag Paswan)ની એલજેપી પાંચ બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)ની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને HAM પાર્ટી એક-એક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
એલજેપીઆર તાજેતરમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી
ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસને રાજ્યની પાંચ બેઠકો મળ્યા બાદ ઉમેદવારો નામ જાહેર કર્યા હતા, જેમાં હાજીપુર બેઠક પરથી ચિરાગ પાસવાન, વૈશાલીથી વર્તમાન સાંસદ વીણા સિંહ, જમુઈથી અરૂણ ભારતી, સમસ્તીપુરથી સાંભવી ચૌધરી અને ખડગિયાથી રાજેશ વર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બિહારમાં કયા પક્ષના ભાગમાં કંઈ બેઠકો?
અઙને જે 16 બેઠકો અપાઈ છે, જેમાં બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિયાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠકોનો સમાવેશ થાય છે. તો BJPના હિસ્સામાં જે 17 બેઠકો આવી છે, તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ ઔરંગાબાદ, મધુબની, અરરિયા દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર આરા, બક્સર અને સાસારામ સામેલ છે. LJPRને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, જમુઈ, ખગડિયા તેમજ RLJDને કારાકાટ, HAM પાર્ટીને ગયા લોકસભા બેઠક ફાળવાઈ છે.