બિહારમાં NDA વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ભાજપ 17 અને જેડીયુ 16 બેઠકો પર લડશે ચૂંટણી
ભાજપ, જેડીયુ, એલજેપી, હમના નેતાઓએ બેઠકોની વહેંચણીની કરી જાહેરાત
પાસવાનની લોજપાને પાંચ, આરએલજેડી અને હમ પાર્ટીને એક-એક બેઠક અપાઈ
Bihar Lok Sabha Election Seat Sharing : બિહારમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ અને તેના સાથી પક્ષો વચ્ચે સીટ શેરિંગનો મામલો ફાઈનલ થઈ ગયો છે. ભાજપના મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની સાથે જેડીયુ તરફથી સંજય ઝા, એલજેપી (આર) તરફથી રાજુ તિવારીએ બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે.
ભાજપ 17 અને જેડીયુ 16 બેઠકો પર લડશે ચૂંટણી
બિહારમાં ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે, તો નીતિશ કુમાર (Nitish Kumar)ની આગેવાની હેઠળની જેડીયુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત ચિરાગ પાસવાન (Chirag Paswan)ની એલજેપી પાંચ બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)ની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને HAM પાર્ટી એક-એક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
કયા પક્ષના ભાગમાં કંઈ બેઠકો આવી ?
જેડીયુને જે 16 બેઠકો અપાઈ છે, જેમાં બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિયાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠકોનો સમાવેશ થાય છે. તો ભાજપના હિસ્સામાં જે 17 બેઠકો આવી છે, તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ ઔરંગાબાદ, મધુબની, અરરિયા દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર આરા, બક્સર અને સાસારામ સામેલ છે. એલજેપીને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, જમુઈ, ખગડિયા તેમજ RLJDને કારાકાટ, HAM પાર્ટીને ગયા લોકસભા બેઠક ફાળવાઈ છે.