રૂપાલા બાદ ક્ષત્રિયોઓએ ભાજપના આ દિગ્ગજ નેતાનો વિરોધ શરૂ કર્યો, રાજપૂતોએ વોટ ન આપવાના સમ ખાધા
Amethi Rajput : ગુજરાતના રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિવાદાસ્પદ નિવેદનનો ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યા બાદ, હવે અમેઠીમાં રાજપૂત સમાજે ભાજપ સામે બાંયો ચઢાવી છે. અમેઠીમાં સમાજના લોકો ઠેર ઠેર ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની (Smriti Irani)નો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને ભાજપ (BJP)ને મત ન આપવાની સમ ખવાડી રહ્યા છે.
રાજપૂત સમાજના લોકો ભાજપની નારાજ
મળતા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશની હોટ સીટ અમેઠીમાં કરણી સેનાના લોકો ઠેરઠેર ફરીને ભાજપને મત ન આપવા લોકોને સમ ખવડાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા દીપક સિંહ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ રાજપૂત સમાજના લોકો નારાજ થયા છે. તેઓનું કહેવું છે કે, ભાજપમાં અમારા સમાજનું કદ ઘટાડાઈ રહ્યું છે.
ભાજપ મહિલા સન્માન પર ચૂપ
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહે કહ્યું કે, જે પક્ષ મહિલાઓનું સન્માન નહીં કરે, તો અમે તે પક્ષનો વિરોધ કરીશું. તેમણે આક્ષેપ કર્યો કે, જો ભારતીય જનતા પાર્ટીના સંસદીય ચૂંટણી ઉમેદવાર કોઈ મહિલાનું અપમાન કરે છે, તો ભાજપના વડા અને ટોચના નેતૃત્વ મોં ખોલતા નથી, તેથી અમે સમ ખાધા છે કે, ભાજપના તમામ નેતાઓનો વિરોધ કરીશું અને તેમને મત નહીં આપીએ.
ભાજપે અમને મજૂર બનાવીને છોડી દીધા
મહિલાપ સિંહે મહાભારત કાળમાં દ્રૌપદીના થયેલા ચીરહરણનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક લોકો ચુપ બેઠા હતા અને જે લોકો ચુપ બેઠા હતા તેમને જ ભોગવવાનો વારો આવ્યો હતો. તેમણે કહ્યું કે, જો દેશના વડા મહિલા સન્માન પર એક શબ્દ બોલતા નથી, તો તેમને માફી માંગવી જોઈએ. અમે જે પક્ષને વોટ આપ્યો તેમણે અમને મજૂર બનાવીને રાખ્યા છે. અમે જાહેરાત કરીએ છીએ કે, દેશભરના તમામ રાજપૂતો ભાજપને વોટ નહીં આપે.
સ્મૃતિ ઈરાની પર સાધ્યું નિશાન
તેમણે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર નિશાન સાધતા કહ્યું કે, ‘સ્મૃતિ ઈરાની એક મહિલા સાંસદ હોવા છતાં મહિલા સન્માન પર વાત કરતા નથી. તેઓ સંસદમાં મહિલાઓ અંગે કોઈપણ મુદ્દા ઉઠાવતા નથી, તેથી તેમણે એવું બોલવાનો હક નથી કે, અમે દિલ્હીમાં મહિલાઓના સન્માનની લડાઈ લડી રહ્યા છીએ.