કેજરીવાલની ધરપકડ બાદ AAPની પ્રથમ બેઠક યોજાઈ, ચૂંટણી માટે બનાવી ખાસ યોજના, મહારેલી પણ યોજશે

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોની બેઠક યોજાઈ

AAPના સંગઠન મહામંત્રી વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે : AAPના સંગઠન મહામંત્રી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
કેજરીવાલની ધરપકડ બાદ AAPની પ્રથમ બેઠક યોજાઈ, ચૂંટણી માટે બનાવી ખાસ યોજના, મહારેલી પણ યોજશે 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ (Arvind Kejriwal Arrest) થયા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાયા છે, તો બીજી તરફ ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવા ઉપરાંત કાર્યકર્તાઓનો જોશ વધારવા મંત્ર પણ અપાયો હતો.

વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે : સંદીપ પાઠક

AAPના સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે (Sandeep Pathak) જણાવ્યું કે, ‘અમે આજે યોજેલી બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈ ખાસ રણનીતિ તૈયાર કરી છે. ચૂંટણી પ્રચાર જરૂર થશે, પરંતુ હવે પ્રચાર કરવાની જરૂર નથી, કારણ કે કેજરીવાલ બહાર જેટલા મજબૂત હતા, તેનાથી વધુ તેઓ જેલની અંદર મજબૂત છે. ભાજપે પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે. ધરપકડ બાદ હવે વડાપ્રધાન મોદી અમારો પ્રચાર કરી રહ્યા છે. આજે દિલ્હીના રસ્તાઓ પર તમામ લોકો કેજરીવાલ-કેજરીવાલ કરી રહ્યા છે. આજે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને વોટ આપવાના બદલે કેજરીવાલને વોટ આપવાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ જેલની અંદર બેઠા છે અને બહાર વડાપ્રધાન અમારો પ્રચાર કરી રહ્યા છે, તેથી અમારે કોઈ ટેન્શન નથી.’

આમ આદમી પાર્ટી 31 માર્ચે મહારેલી યોજશે

તેમણે કહ્યું કે, ‘અગાઉ કેજરીવાલના નિર્દેશ મુજબ પાર્ટી કામ કરતી હતી અને હજુ પણ તેઓ જેલની અંદરથી જે નિર્દેશ આપશે, તે રીતે જ પાર્ટી ચાલશે. કેજરીવાલ પહેલા વ્યસ્ત રહેતા હતા, જોકે હવે જેલની અંદર હોવાથી તેઓ એક્સક્લૂસિવલી વધુ વિચારશે, જે વિરોધીઓને મોંઘુ પડશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખાસ કરીને યુવાઓને એવું જણાવ્યું કે, નાની-મોટી સમસ્યાઓને દુર રાખી એક થવાનો સમય આવી ગયો છે. હવે 10 ઘણી મહેનત કરી પ્રચાર કરવાનો છે. અમે 31 માર્ચે મહારેલીનો મેઘા પ્લાન બનાવ્યો છે. મહારેલી બાદ આમ આદમી પાર્ટી ઘરે ઘરે જશે અને પરિવારને કેજરીવાલના પ્રચાર સાથે જોડશે.’

કેજરીવાલની ગુરુવારે ધરપકડ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલને ઈડી દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાન પરથી દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે એટલે કે ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને શુક્રવારે 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે પોતે જાહેરાત કરી હતી કે તેમની ધરપકડ છતાં તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.


Google NewsGoogle News