પાંચમાં તબક્કામાં 60.09 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં માત્ર 49 ટકા લોકોએ આપ્યા મત, જાણો કયા રાજ્યમાં કેટલું વોટિંગ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
પાંચમાં તબક્કામાં 60.09 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં માત્ર 49 ટકા લોકોએ આપ્યા મત, જાણો કયા રાજ્યમાં કેટલું વોટિંગ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું. આ સાથે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થયું હતું. આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. પાંચમાં તબક્કામાં 60.09 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી ઓછું મહારાષ્ટ્રમાં માત્ર 49 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું છે.

રાજ્યસરેરાશ મતદાન
બિહાર52.93%
જમ્મુ અને કાશ્મીર55.20%
ઝારખંડ63.00%
લદ્દાખ67.15%
મહારાષ્ટ્ર49.15%
ઓડિશા60.87%
ઉત્તર પ્રદેશ57.79%
પશ્ચિમ બંગાળ73.00%


સચિન તેંડુલકરે મુંબઈમાં કર્યું મતદાન 

પૂર્વ ક્રિકેટર અને ચૂંટણીના નેશનલ આઈકોન સચિન તેંડુલકર અને તેમના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું.

રાહુલ ગાંધી બુથનું નિરીક્ષણ કરવા રાયબરેલી પહોંચ્યા

રાહુલ ગાંધી રાયબરેલીમાં મતદાન મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મતદારો સાથે વાતચીત પણ કરી હતી. કોંગ્રેસે સોશિય મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, 'રાયબરેલીમાં સન્માનિત મતદારોની વચ્ચે પહોંચ્યા જનનાયક. આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.' અગાઉ રાહુલ ગાંધીએ રાયબરેલી પહોંચીને સૌથી પહેલા પીપલેશ્વર હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટના

પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

લોકો દેશને બચાવવા વોટ આપશેઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ મત આપ્યા બાદ કહ્યું કે 'આ વખતે લોકો જુમલેબાજીના વિરુદ્ધમાં છે. લોકો દેશને બચાવવા વોટ આપશે. મને આશા છે કે મતદાનની ટકાવારી વધશે. લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.'

સીઆરપીએફના જવાનનું મોત

આજે 5માં તબક્કાના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને તૃણમૂલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી, સતીશ ચંદ્ર મિશ્રાએ લખનઉમાં મતદાન કર્યું છે. રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલીમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે 543 લોકસભા બેઠકોના ​​ચોથા તબક્કા સુધી 380 બેઠકો પર મતદાન થઈ ચૂંક્યું છે. આજની બેઠકો સહિત કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થશે.

આ ફિલ્મ સ્ટાર્સે કર્યું મતદાન

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી.  આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે 'હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે: RBI ગવર્નર

રિઝર્વ બેંક ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શક્તિકાંત દાસે કહ્યું કે 'આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશના 140 કરોડ લોકોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગું છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.'

આ દિગ્ગજોએ કર્યું મતદાન

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઇમાં મત આપ્યો છે. આ  ઉપરાંત અક્ષય કુમાર-ફરહાન અખ્તર મતદાન મથક પર મતદાન પર પહોંચ્યા છે. ફરહાન અખ્તરે કહ્યું કે 'મારો મત સુશાસન માટે છે. એક સરકાર જે લોકો માટે કામ કરે છે. આગળ આવો અને મત આપો.' તો બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ મત આપ્યો છે.

પીએમ મોદીએ કરી અપીલ

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, 'લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, આજે 8 રાજ્યો અને સંઘના પ્રદેશોમાં 49 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. હું આ તબક્કાના તમામ મતદારોને તેમના મત આપવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવાની મારી વિશેષ અપીલ છે.'

પાંચમાં તબક્કામાં કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

આજે પાંચમાં તબક્કામાં 8 કરોડથી 95 લાખથી પણ વધુ મતદારો 94732 મતદાન મથકો પર મત આપશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રોમાં મતદાન સમાપ્ત થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભાના પાંચમાં તબક્કાની 49 લોકસભા બેઠકો માટે કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની 35 બેઠકો માટે 265 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ 147 બેઠકો છે. જેમાંથી 13 મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ 28 બેઠકો પર મતદાન થયું હતું.

આ રાજ્યોમાં આજે મતદાન થશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 17 વિશેષ ટ્રેનો, 508 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. 

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

પાંચમાં તબક્કામાં 60.09 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં માત્ર 49 ટકા લોકોએ આપ્યા મત, જાણો કયા રાજ્યમાં કેટલું વોટિંગ 2 - image


Google NewsGoogle News