Get The App

બારામુલામાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, જાણો રાયબરેલી-અમેઠી સહિતની બેઠકો પર કેટલું મતદાન થયું?

Updated: May 21st, 2024


Google NewsGoogle News
બારામુલામાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, જાણો રાયબરેલી-અમેઠી સહિતની બેઠકો પર કેટલું મતદાન થયું? 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 60.09 ટકા મતદાન થયું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું  મતદાન થયું હતું. પાંચમા તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.

આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થયું હતું

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર 60.09 ટકા મતદાન થયું હતું. જેમાં  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 74.65 ટકા મતદાન થયું હતું. હિંસાના છૂટાછવાયા બનાવો પણ અહીં બન્યા હતા. બિહારમાં 55.85 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 56.73, ઝારખંડમાં 63.07, લદ્દાખમાં 69.62, મહારાષ્ટ્રમાં 54.29, ઓડિશામાં 67.59 અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન થયું હતું.

બારામુલા લોકસભા બેઠક પર 40 વર્ષનો રેકોર્ડ તુટ્યો

આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની બારામુલા લોકસભા બેઠક પર 40 વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો અને 59 ટકા મતદાન થયું હતું. 1984માં આ બેઠક પર 58.84 ટકા મતદાન થયું હતું. આ આંકડાઓ હજુ પણ બદલાઈ શકે છે. કારણ કે સાંજે 7 વાગ્યે મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી ત્યારે કેટલાક મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર 57.85 ટકા જ્યારે અમેઠી બેઠક પર 54.17 ટકા મતદાન થયું હતું.  

બિહારની બેઠકો પર એક નજર

બિહારની પાંચ બેઠકો સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર પર સાંજે 6 વાગ્યા સુધી 55.85 ટકા મતદાન નોંધાયું હતું. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આ બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા 9436 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. સૌથી વધુ 58.10 ટકા મતદાન મુઝફ્ફરપુરમાં થયું હતું. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આ બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 57.07 ટકા મતદાન થયું હતું.

રાયબરેલી અને અમેઠીમાં રસપ્રદ જંગ જોવા મળ્યો

પાંચમા તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમની સામે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમને ગત લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ હરાવ્યા હતા. અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે કેએલ શર્માને ટિકિટ આપી છે. આ બંને બેઠકો પર માત્ર ઉત્તર પ્રદેશ જ નહી પરંતુ સમગ્ર દેશની નજર ટકેલી છે. રાહુલ ગાંધીની ઉમેદવારીના કારણે માત્ર રાયબરેલીમાં જ નહીં પરંતુ અમેઠીમાં પણ રસપ્રદ જંગ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : પાંચમા તબક્કામાં જાણો ક્યાં રાજ્યમાં કેટલું મતદાન થયું

બારામુલામાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, જાણો રાયબરેલી-અમેઠી સહિતની બેઠકો પર કેટલું મતદાન થયું? 2 - image


Google NewsGoogle News