ભાજપ આ રાજ્યથી શરૂ કરશે લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ, PM મોદીનો કાર્યક્રમ જાણી કોંગ્રેસને લાગશે ઝટકો
શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠાના 5 દિવસ બાદ ભાજપ લોકસભા ચૂંટણી શ્રીગણેશ કરશે
Lok Sabha Election 2024 : એકતરફ વિપક્ષી ગઠબંધન બેઠક વહેંચણી ઝંઝટમાં ફસાયું છે, તો બીજીતરફ ભાજપે લોકસભા ચૂંટણી અભિયાનને આગળ વધારવાની કામગીરી શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગણતંત્ર દિવસ બાદ 27 જાન્યુઆરીએ બિહાર (Bihar)ના બેતિયામાં ભાજપના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ આ જ દિવસે ઝારખંડ (Jharkhand)ના ધનબાદમાં પણ કાર્યક્રમ યોજાશે, તેમ ઝારખંડ ભાજપ અધ્યક્ષ બાબૂલાલ મરાંડી (Babulal Marandi) અને બેતિયાના સાંસદ ડૉ.સંજય જાયસવાલે જણાવ્યું છે.
બિહાર અને ઝારખંડમાં યોજાશે PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાનનો વિસ્તૃત કાર્યક્રમ આવવાનો બાકી છે, પરંતુ પીએમ મોદી ઉપરોક્ત બંને સ્થળે ઘણી યોજનાઓને લીલી ઝંડી બતાવશે, તે નક્કી છે. અગાઉ 13 જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ તે રદ કરી નવો કાર્યક્રમ બે દિવસમાં તૈયાર કરી દેવાયો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામલાની પ્રાણપ્રતિષ્ઠા યોજાવાની છે, તેના પાંચ દિવસ બાદ એટલે કે 27 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની કર્મભૂમિ ચંપારણથી લોકસભા ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કરી વિપક્ષી દળોને પડકાર ફેંકશે.
કોંગ્રેસની યાત્રાના થોડા કલાકો પહેલા યોજશે PMનો કાર્યક્રમ
કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રસ્તાવિત ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની યાત્રા બિહારની સરહદે પહોંચે, તેના થોડા કલાકો પહેલા વડાપ્રધાન મોદીનો બેતિયામાં કાર્યક્રમ યોજાશે. બિહાર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ સંજય જાયસવાલે કહ્યું કે, ભાજપનો કાર્યક્રમ યોજવા બેતિયામાં 3 સ્થળ માટે પ્રસ્તાવ મોકલાયો છે, જ્યારે અમારી પ્રાથમિકતા સંગૌલીનું મેદાન છે. વડાપ્રધાનનો બેતિયા ઉપરાંત બેગૂસરાય અને ઔરંગાબાદમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે, પરંતુ તેની તારીખ હજુ નક્કી કરાઈ નથી.
ભાજપ માટે બિહાર-ઝારખંડ ખુબ મહત્વનું
ઝારખંડમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગે બાબૂલાલ મરાંડીએ કહ્યું કે, ધનબાદમાં પીએમના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. તેઓ બેતિયા બાદ સીધા ધનબાદ આવશે. ભાજપની રણનીતિ હેઠળ બિહાર ઉપરાંત ઝારખંડ પણ મહત્વનું છે, કારણ કે, બિહારમાં લોકસભાની 40 અને ઝારખંડમાં 14 બેઠકો છે, જેમાંથી 35 બેઠકો એનડીએના કબજામાં છે.
ભાજપે બિહારમાં દબદબો બનાવ્યો, તો ઝારખંડમાં ગુમાવવી સત્તા
ગત ચૂંટણીમાં બંને રાજ્યોમાં ભાજપે JDU અને ઑલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (આજસૂ) સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી 51 બેઠકો જીતી હતી. આમાં ભાજપ એકલાએ 28 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદ બિહારમાં 16 બેઠકો જીતનાર જદયૂએ ગઠબંધન બદલી ભાજપ સાથે દોસ્તી તોડી હતી, ત્યારબાદ ઝારખંડમાં લાંબાગાળા બાદ આજસૂ અને ભાજપ વચ્ચે મિત્રતા થઈ છે. આ વખતે પણ બંને સાથે મળી ચૂંટણી લડવાના છે. લોકસભા ચૂંટણીના કેટલાક મહિનાઓ બાદ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-આજસૂનું ગઠબંધન તૂટ્યું હતું, જેના કારણે રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. તાજેતરની પરિસ્થિતિને જોતા હાલ બંને પક્ષો એક થઈ ગયા છે.