Get The App

ભાજપને ક્ષત્રિયોની નારાજગી ગુજરાત નહીં આ રાજ્યમાં ભારે પડી, નવ લોકસભા બેઠકો ગુમાવી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News


ભાજપને ક્ષત્રિયોની નારાજગી ગુજરાત નહીં આ રાજ્યમાં ભારે પડી, નવ લોકસભા બેઠકો ગુમાવી 1 - image

Lok Sabha Election Result 2024: રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપની ક્લિન સ્વીપ રોકી છે. 2014 અને 2019ની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકોમાં ભાજપને વિજય મળ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસે કમબેક કર્યું છે.

રાજસ્થાનમાં રાજપૂતો નિર્ણાયક 

રાજસ્થાનમાં જે બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે તેમાં રાજપૂત મતો નિર્ણાયક રહ્યા. દૌસા, ભરતપુર, કરૌલી- ધૌલપુર, ટોંક સવાઈ માધોપુરમાં રાજપુત સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો હતો. ગત વર્ષે વિધાનસભામાં ભાજપે રાજપુતોને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું ન હતું. ટિકિટ ફાળવણીનો વિવાદ થયો હતો, પરંતુ ચૂંટણી વખતે વિવાદ જેમતેમ કરીને ઠારી દેવાયો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદનો અગ્નિ ફરી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકે બળ્યો હતો. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનની અસર ભલે ગુજરાતમાં જણાઈ નહીં, પરંતુ રાજસ્થાનના રાજપુત સમાજમાં તેના ઘેરા પડઘાં પડ્યા હતા. તે સિવાય જાટ અને રાજપુત સમાજ પર વસુંધરા રાજેનો પ્રભાવ છે.

વસુંધરા રાજેની અવગણના 

વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરાની ભાજપે સદંતર અવગણના કરી. વસુંધરાની નારાજગી વચ્ચે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દેવાતા જાટ-રાજપુત સમાજ નારાજ હતો. વસુંધરા રાજસ્થાન ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા, પરંતુ તેમણે ઝાલાવાડમાં પુત્ર દુષ્યંત સિંહ માટે જ પ્રચાર કર્યો. તે સિવાય કોઈ બેઠકો પર પ્રચાર ન કર્યો તેનાથી જાટ-રાજપુત મતદારો કોંગ્રેસ તરફ વળ્યા.

ગંગાનગરની બેઠકમાં ત્રણ લાખથી વધુ મુસ્લિમ મતદારો અને છ લાખ દલિત મતદારોએ અનામત બેઠકના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવાર પર પસંદગી ઉતારી. એ બેઠકમાં ખેડૂત આંદોલનની અસર વધુ જોવા મળી હતી. ખેડૂતોની નારાજગી ભાજપને ભારે પડી.

જાટ સમાજનું આંદોલન 

ચુરુ, ઝુંઝુનુ, નાગૌર અને સિકરમાં જાટ સમાજના અનામત આંદોલનના કારણે ભાજપનો ફટકો પડ્યો હતો. નાગૌર અને સિકરમાં કોંગ્રેસ ગઠબંધનની સહયોગીઓ પાર્ટીઓના ઉમેદવારો જીત્યા છે. નાગૌરમાં ભાજપે આયાતી ઉમેદવાર જ્યોતિ મિર્ધાને ટિકિટ આપી, જેને સ્થાનિક મતદારોએ સ્વીકાર્યા નહીં. જાટ સમાજ ઘણાં સમયથી અનામત આંદોલનની માગણી કરી રહ્યા છે, તેમની માગણી સંતોષાઈન હોવાથી આખરે તેમણે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

એક દિગ્ગજ નેતા અને બે મહત્ત્વના સમાજોની નારાજગીથી ભાજપને મોટો ફટકો પડ્યો. જે બેઠક ભાજપે જીતી લીધી એમાંય માર્જિન ઘટયું. શહેરી મતદારોએ ભાજપની લાજ રાખીન હોત તો વધુ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હોત. તે ઉપરાંત ટિકિટ આપવામાં કોંગ્રેસ અને ગઠબંધને જ્ઞાતિના સમીકરણોને સેટ કર્યા હતા. ગેહલોત અને પાયલટના જૂથ વચ્ચે એકતા દેખાઈ, એકબીજાના કેમ્પના ઉમેદવારોને હરાવવાના પ્રયાસો થયા નહીં. એનો કોંગ્રેસને લાભ મળ્યો.


Google NewsGoogle News