Get The App

'ડબલ એન્જિન' પાટા પરથી ઉતર્યું, ભાજપ શાસિત રાજ્યોમાં જ પાર્ટીનો ઝટકો, જાણો કેટલી બેઠકો ગુમાવી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
'ડબલ એન્જિન' પાટા પરથી ઉતર્યું, ભાજપ શાસિત રાજ્યોમાં જ પાર્ટીનો ઝટકો, જાણો કેટલી બેઠકો ગુમાવી 1 - image
Image Twitter 

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામો ઘણા રાજ્યોમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. ભાજપે 543 બેઠકોમાંથી 240 બેઠકો પર જ જીત મેળવી છે. પછી ભલે તે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને બહાર આવી હોય, પરંતુ સરકારની રચનાને લઈને હજુ પણ સસ્પેન્સ બનેલું છે. ભાજપને તો પાક્કો વિશ્વાસ હતો કે, તે આરામથી બહુમતીનો આંકડો પાર કરી લેશે. અને વધુમાં તેમની ગણતરીઓ બધી જ ઉંધી પડી છે. જેના કારણે બહુમત ન મળવા છતાં 232 બેઠકો મેળવનાર ભારતીય ગઠબંધન આત્મવિશ્વાસથી ભરપૂર છે.

જો કે, હવે સવાલ એ થાય છે કે એવું તો શું થયું કે, ભાજપની હાલત આટલી ખરાબ થઈ ગઈ. તે પણ જ્યારે દેશના અનેક મોટા રાજ્યોમાં તેમની સરકાર છે. દેશમાં 'ડબલ એન્જિન' સરકાર ચલાવવા છતાં ભાજપે ઘણા રાજ્યોમાં બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. આવો તમને એવા કેટલાક રાજ્યો વિશે જણાવીએ, જ્યાં ભાજપની સત્તા હોવા છતાં, પાર્ટીએ મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી છે.

ભાજપે કયા રાજ્યોમાં બેઠકો ગુમાવી?

ઉત્તર પ્રદેશઃ 

વર્ષ 2017થી યુપીમાં ભાજપની સરકાર ચાલી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 62 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે આ વખતે તેને માત્ર 33 બેઠકો મળી છે. યુપીમાં ભાજપે 29 બેઠકો ગુમાવવી પડી છે. યુપીમાં ભાજપને આશા હતી કે, તે 70 બેઠકો પર સરળતાથી જીત મેળવશે.

મહારાષ્ટ્ર: 

શિવસેના અને એનસીપીના વિભાજન બાદ તેમાંથી નીકળેલા જૂથો ભાજપમાં જોડાયા. ભાજપે શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને સરકાર બનાવી હતી. આમ છતાં 2019માં 23 બેઠકો મેળવનારી ભાજપને આ વખતે 9 બેઠકો પર જીત મળી. એટલે કે અહીં તેને 14 બેઠકોનું નુકસાન થયું. 

બિહાર :

બિહારમાં આ વખતે ફરી એકવાર ભાજપને સત્તા મળી છે, પરંતું લોકસભાની ચૂંટણીમાં તેનો ફાયદો ન થયો.  વર્ષ 2019માં બિહારમાં ભાજપને 17 બેઠકો મળી હતી. હવે તેને 2024ની ચૂંટણીમાં માત્ર 12 જ બેઠકો મળી છે. આ રાજ્યમાં ભાજપે 5 બેઠકોનું નુકસાન થયું છે. 

રાજસ્થાન :

ભાજપે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આશા હતી કે, તે રાજસ્થાનમાં ફરીથી ક્લીન સ્વીપ કરશે. પરંતુ ત્યાં પણ આવું થયું નહીં. રાજસ્થાનમાં 2019માં ભાજપને 25માંથી 24 બેઠકો મળી હતી, અને એક બેઠક તેના સહયોગી એનડીએને મળી હતી. આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો મળી છે. 

હરિયાણાઃ 

છેલ્લા એક દાયકાથી હરિયાણામાં ભાજપે પ્રવેશ કર્યો હોવા છતાં તેનો કોઈ ફાયદો ન થયો. 2019માં હરિયાણામાં તમામ 10 બેઠકો કબજે કરનાર ભાજપને આ વખતે પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.



Google NewsGoogle News