10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર: NDAની બેઠકમાં મોદીએ જણાવ્યો આગામી સરકારનો એજન્ડા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર: NDAની બેઠકમાં મોદીએ જણાવ્યો આગામી સરકારનો એજન્ડા 1 - image


Lok Sabha Elections Result 2024 | લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. તેના બાદથી અત્યાર સુધી સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા. તેઓ આજે બેઠક બાદ સરકાર રચવા માટે દાવો કરી શકે છે. તેમને એનડીએ દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ નેતાઓએ તેને મંજૂરી આપી હતી.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યાં? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કરોડો કાર્યકરોનું અભિનંદન કર્યું હતું. એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર. 2019માં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો - વિશ્વાસ. આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે. એનડીએને 22 રાજ્યોમાં સરકાર બનાવી લોકોએ સેવા કરવાની તક આપી. મોદીએ કહ્યું કે મારા માટે આ ભાવુક ક્ષણ છે. દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. એનડીએને તેમણે શુદ્ધરૂપે ઓર્ગેનિક ગઠબંધન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એનડીએના કેન્દ્રમાં ગરીબનું કલ્યાણ છે. સરકારની જેટલી દખલ ઓછી તેટલી લોકશાહી મજબૂત થાય છે. મારા માટે બધા એક સમાન છે. સરકાર ચલાવવા બહુમત ખૂબ જ જરૂરી છે. અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. 

જે જીતીને આવ્યા છે તેમને અભિનંદન: મોદી 

NDAની સંયુક્ત બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે 'મારા માટે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહે મારુ સ્વાગત કર્યું. જે સાથીઓ જીતીને આવ્યા તે સૌ અભિનંદનના અધિકારી છે. લાખો  કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી છે. આટલી ગરમીમાં પરિશ્રમ કર્યો છે. આજે હું આ સદનથી તેમને પ્રણામ કરું છું. 

આગામી 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખીશું: મોદી 

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું, કે 'અમે આગામી 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ, વિકાસ, સામાન્ય માનવીના જીવનમાં સરકારની જેટલી ઓછી દખલ હોય એ રીતે કામ કરવા માટે પ્રયાસ કરીશું. આ જ લોકતંત્રની મજબૂતાઈ છે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. અમે સૌ સાથે મળીને વિકસિત ભારતના સપનાને સાકાર કરીશું.' 

કોંગ્રેસ 100 બેઠકો પણ જીતી ન શકી: મોદી 

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું, કે 'કોંગ્રેસ 10 વર્ષ બાદ પણ 100 બેઠકોના આંકડાને પાર કરી શકી નથી. 2014, 2019, 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતેલી બેઠકો ભેગી કરી નાંખો તેનાથી પણ વધારે બેઠકો ભાજપને મળી છે. 

નામ બદલી લેવાથી UPAના કૌભાંડો નહીં ભૂલાય: મોદી 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે NDAને જ્યારે પણ મોકો મળે ત્યારે તે સ્થિર સરકાર સાથે દેશની સેવા કરે છે. યુપીએ ગઠબંધન કૌભાંડો માટે જાણીતું છે. નામ બદલી લેવાથી દેશ તેમના કૌભાંડોને ભૂલી નહીં જાય. ઈન્ડિયા 

10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર: મોદી  

નરેન્દ્ર મોદીએ આગામી સરકારના વિઝનને લઈને કહ્યું હતું, કે NDA પર દેશનો અતૂટ વિશ્વાસ છે. લોકોની અપેક્ષાઓ હજુ વધશે. 10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર છે. હવે આપણે હજુ તેજીથી કામ કરવું પડશે. જનતા ઈચ્છે કે આપણે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખીએ.  

આગામી 10 વર્ષનો પ્લાન બતાવ્યો 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, NDA સરકારમાં આગામી 10 વર્ષમાં સુશાસન, વિકાસ, જીવનની ગુણવત્તા અને સામાન્ય લોકોના જીવનમાં સરકારી દખલગીરી ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. અમે વિકાસ, સુશાસન અને જનભાગીદારીનો નવો અધ્યાય લખીશું. આપણે સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.

બેઠક બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળવા જઇ શકે છે 

ઉલ્લેખનીય છે કે એનડીએના સંસદીય દળની બેઠક બાદ નરેન્દ્ર મોદી સરકાર રચવાનો દાવો કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદીને મૂર્મુ મળવા પહોંચી શકે છે. તમામ સભ્યોનું તેઓ સમર્થન પત્ર પણ સોંપી શકે છે. 

બેઠકમાં નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ પણ હાજરી આપી 

એનડીએની બેઠકમાં બિહારથી જેડીયુ લીડર તરીકે નીતીશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ બંને કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠકમાં એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી જેવા અન્ય એનડીએ સહયોગીઓએ પણ હાજરી આપી હતી. 

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નરેન્દ્ર મોદીનું સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવા બદલ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સભામાં ‘ત્રીજી વખત મોદી સરકાર’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

રાજનાથ સિંહે એનડીએના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો 

માહિતી અનુસાર એનડીએની બેઠક દરમિયાન રાજનાથ સિંહે એનડીએના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદી જ યોગ્ય છે. છેલ્લા 10 વર્ષમાં દેશની દશા અને દિશા બદલાઈ છે. એનડીએના પરિવારમાં પણ વધારો થયો છે. રાજનાથ સિંહના પ્રસ્તાવ પર અમિત શાહે અનુમોદન કર્યું હતું. તેમણે પણ કહ્યું કે પીએમ મોદી જ એનડીએના નેતા તરીકે મુખ્ય પસંદગી હોઈ શકે છે. ત્યારબાદ ચર્ચિત નેતા નિતિન ગડકરીએ પણ રાજનાથ સિંહના પ્રસ્તાવનું અનુમોદન કર્યું હતું. તેમણે કહ્યું કે પીએમ તરીકે મોદીએ સમર્થિત ભાવથી કામ કર્યું છે. 

કુમારસ્વામીનું પણ સમર્થન 

અમિત શાહ, નિતિન ગડકરી બાદ કર્ણાટકમાં એનડીએના સાથી રહેલા જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામીએ પણ પીએમ મોદીને એનડીએ ગઠબંધનના નેતા તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને બેઠકમાં સમર્થન આપ્યું હતું. 

ચંદ્રબાબુએ પણ મોદીને આપ્યું સમર્થન 

બેઠકમાં જ ચંદ્રબાબુ નાયડુએ પણ પીએમ મોદીએ એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટવાને મંજૂરી આપતા કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં દેશમાં પરિવર્તન આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દુનિયામાં દેશનું માન વધ્યું છે. આ સાથે એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી સહિત એનડીએના અન્ય ટોચના નેતાઓએ પણ પીએમ મોદીના નામના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 

10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર: NDAની બેઠકમાં મોદીએ જણાવ્યો આગામી સરકારનો એજન્ડા 2 - image


Google NewsGoogle News