આ ચાર રાજ્યોમાં ભાજપ સાથે થઈ ગયો 'ખેલ', 400 પારનો નારો હતો પણ 300 માટે સંઘર્ષ
Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો હતો. તેમજ ભાજપ વિશે એવું અનુમાન પણ લગાવવામાં આવતું હતું કે આ વકહ્તે 370ને પાર થઈ જશે. પરંતુ આજનું પરિણામ ભાજપને વિચારવા મજબૂર કરી દે તેવું છે. હવે ખામીઓ ક્યાં રહી તે ચર્ચાનો વિષય છે, પરંતુ જે ચાર મોટા રાજ્યો પર ભાજપના નેતાઓ વિશ્વાસ હતો ત્યાંથી જ તેમને સમર્થન મળ્યું નથી.
ભાજપને ચાર મોટા રાજ્યોમાં સફળતા ન મળી
ચૂંટણી પહેલા જનતા કોનો પક્ષ લેશે તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે. પરંતુ વાસ્તવિકતા તો પરિણામના દિવસે જ સામે આવે છે. હવે લાંબા સમય માટે ભાજપમાં પરિણામોનું મંથન ચાલશે અને કારણો પણ સામે આવશે. પરંતુ પરિણામો દર્શાવે છે કે ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું સમર્થન મળ્યું નથી. આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રે પણ ભાજપને ઝટકો આપ્યો છે.
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવ્યું
આ વખતે ભાજપને પશ્ચિમ બંગાળમાં પણ સારા પરિણામોની અપેક્ષા હતી, પરંતુ ફરી એકવાર મમતા બેનર્જીએ ભાજપને હરાવ્યું છે. યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે રમત થઈ ગઈ એવું પણ કહી શકાય. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સારા પરિણામો મળતા ભાજપને આ વખતે પણ ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતવાની આશા હતી. પરંતુ આ વખતે ભાજપને ગત ચૂંટણી કરતા ઓછી બેઠક મળતી દેખાઈ રહી છે.
એનડીએને 300 સીટો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપને કુલ 302 બેઠકો મળી હતી પરંતુ આ વખતે આ આંકડો પાર કરવો મુશ્કેલ છે. અત્યારે બીજેપી લગભગ 289 બેઠકો જીતતી જોવા મળી રહી છે, જેનો અર્થ છે કે 2019ની સરખામણીમાં બીજેપી લગભગ 13 બેઠકો ઓછી મેળવી શકે છે. જ્યારે ચૂંટણી પહેલા એનડીએ 400 પાર કરવાનો નારો આપ્યો હતો. પરંતુ હવે એનડીએને 300 સીટો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
યુપીમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયું
યુપીમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે. યુપીમાં એનડીએ લોકસભાની 80માંથી અડધી બેઠકો પણ જીતે તેવું લાગતું નથી. જ્યારે છેલ્લી ચૂંટણીમાં માત્ર યુપીમાં ભાજપે 62 બેઠક જીતી હતી, આ વખતે તે 40થી ઓછી બેઠકો સુધી સીમિત રહેતી દેખાય છે.
જયારે 2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને 18 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તે 11 પર અટકી જાય તેવું લાગી રહ્યું છે. જ્યારે અહીં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પશ્ચિમ બંગાળના ચોંકાવનારા પરિણામોની વાત કરી રહ્યા હતા.
રાજસ્થાનમાં ભાજપ 2019માં તમામ 25 બેઠકો જીતી ગયું હતું. પરંતુ આ ચૂંટણીમાં માત્ર 14 બેઠકો જ મળે તેવું લાગી રહ્યું છે.
આ સિવાય મહારાષ્ટ્રમાં ભાજપને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે શિવસેનાને ફાયદો થતો જણાય છે.