Get The App

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુએ મોદી સરકારને ટેકો આપવા શું માગણીઓ કરી...

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
નીતિશ કુમાર અને ચંદ્રાબાબુએ મોદી સરકારને ટેકો આપવા શું માગણીઓ કરી... 1 - image


TDP-JDU Ministry Demand: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે JDU પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી છે. જેડીયુએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવા અને બિહારને વિશેષ દરજ્જો આપવા સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે. 

બુધવારે વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી 

કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર કેન્દ્રીય કેબિનેટમાં રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો પર નજર રાખી રહ્યા છે. એમાં પણ રેલવે મંત્રાલયને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની બેઠકમાં ભાગ લેવા તેઓ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા.

નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે 

જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં NDAને 292 બેઠકો મળી છે. જો કે, આ વખતે ભાજપ બહુમતી અંક 272થી દૂર રહી અને માત્ર 240 બેઠકો જીતી શકી છે. આવી સ્થિતિમાં દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે પીએમ મોદીને તેમના સહયોગીઓના સમર્થનની જરૂર છે. આ સ્થિતિમાં 12 બેઠકો જીતનાર જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

એવામાં જેડીયુના એક નેતાએ જણાવ્યું હતું કે નીતિશકુમાર બિહારના વિકાસને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં કેટલાક મંત્રાલયોની માંગ કરી છે. જેથી બિહારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ શકે.

નીતીશ કુમાર જાતિ ગણતરી મોડ્યુલ દેશમાં લાગુ કરવા માંગે છે 

મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારની જાતિ ગણતરી મોડ્યુલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. જેડીયુ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જાતિ ગણતરી કરાવવાનો આગ્રહ કરી રહી છે. ગત વર્ષે બિહારમાં જાતિ ગણતરીના રિપોર્ટના આધારે અનામતનો વિસ્તાર વધારીને 75 ટકા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીતીશ સરકાર ગરીબ પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના પણ લાવી હતી.

બિહારમાં વહેલી વિધાનસભા ચૂંટણી કરાવવાની ઈચ્છા

આ સિવાય જેડીયુના કેટલાક નેતાઓએ પણ બિહારમાં વહેલી વિધાનસભા ચૂંટણી કરાવવાની ઈચ્છા સીએમ નીતિશ સમક્ષ વ્યક્ત કરી છે. જેથી કરીને જેડીયુ લોકસભા ચૂંટણીમાં મળેલી જીતનો લાભ ઉઠાવી શકે અને વિધાનસભામાં સારી સ્થિતિમાં પહોંચી શકે. જેડીયુ પાસે હાલમાં બિહારમાં માત્ર 45 ધારાસભ્યો છે જ્યારે સહયોગી ભાજપના 78 ધારાસભ્યો છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએને ટેકો આપવા માટે  જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ કરી રહી છે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે જેડીયુ કેન્દ્ર પાસેથી બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને મોટું ભંડોળ ઈચ્છે છે.

TDP શા માટે સ્પીકર પદ ઈચ્છે છે? 

લોકસભામાં સૌથી શક્તિશાળી પદ સ્પીકર ધરાવે છે, આથી ટીડીપી સ્પીકરનું પદ ઇચ્છે છે. એટલું જ નહીં પરંતુ ત્રિશંકુ સંસદની સ્થિતિમાં સ્પીકર મહત્ત્વની ભૂમિકા ભજવશે. પાર્ટીના દિવંગત નેતા જીએમસી બાલયોગીએ 1998 થી 2002 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં સ્પીકર તરીકે પણ સેવા આપી હતી.

ટીડીપીના એક સાંસદે કહ્યું કે પાર્ટી ગ્રામીણ વિકાસ, આવાસ અને શહેરી બાબતો, બંદરો અને શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને જલ શક્તિ મંત્રાલયો ઈચ્છે છે. તેઓ નાણા મંત્રાલયમાં જુનિયર પ્રધાન રાખવા પણ ઉત્સુક છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ ટીડીપીને બહુમતી મળી છે અને ત્યાં પણ અત્યારે ભંડોળની સખત જરૂર છે. 

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુએ મોદી સરકારને ટેકો આપવા શું માગણીઓ કરી... 2 - image


Google NewsGoogle News