ઈન્દિરાના હત્યારાનો પુત્ર પંજાબની ફરીદકોટ બેઠક પર આગળ, કાશ્મીરમાં બારામુલા બેઠક પર જેલમાં બંધ નેતા આગળ
Lok Sabha Elections Result 2024: પંજાબની બે બેઠકો અને કાશ્મીરની એક બેઠક પર ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. આ ત્રણેય બેઠકો પરથી અપક્ષ ઉમેદવારો વલણોમાં આગળ બતાવાય રહ્યા છે અને ત્રણેય ઉમેદવારો વિવાદાસ્પદ છે. આ પૈકી બે ઉમેદવાર તો ખાલિસ્તાન સમર્થક છે.
સરબજીત સિંઘ ખાલસા ફરીદકોટથી આગળ
પંજાબની કુલ 13 લોકસભા બેઠકો પરથી સાત પર કોંગ્રેસ અને ત્રણ પર આપ અને બે બેઠકો પરથી અપક્ષ ઉમેદવારો આગળ છે. જેમાં ઈન્દિરા ગાંધીના હત્યારા બિયંત સિંઘનો પુત્ર સરબજીત સિંઘ ખાલસા ફરીદકોટથી આશરે 59000 મતથી આગળ છે. ફરીદકોટની બેઠક પરથી સરબજીત સિંહ ખાલસાનો મુકાબલો ત્રણ ગાયક સાથે હતો. ભાજપે હંસરાજ સિંહને અહીંથી ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે મોહમ્મદ સાદિક અને આપે કરમજીત અનમોલને ટિકિટ આપી હતી. આ ત્રણેય પંજાબના જાણીતા ગાયક છે.
સરબજીત સિંઘ અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. 2004માં ભટિન્ડા લોકસભા બેઠક પરથી અને 2014માં પંજાબની ફતેહગઢ સાહિબ બેઠક પરથી ચૂંટણી લડયા હતા, પરંતુ હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ ફરીથી 2019માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડયા, પરંતુ ફરી હારી ગયા. સરબજીતની માતા બિમલ કૌરે 1989માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ રોપડ બેઠક પરથી લડ્યા અને જીત્યા પણ હતા. તે વર્ષે તેમના દાદા પણ સાંસદ બન્યા હતા.
1984માં બિયંત સિંઘ (સરબજીત સિંઘના પિતા) અને સતવંત સિંઘે તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. તે બંને ઈન્દિરા ગાંધીના બોડીગાર્ડે હતા. એ સમયે બિયંત સિંઘની ઘટનાસ્થળે જ અન્ય બોડીગાર્ડે ગોળી મારી દીધી હતી, તો સતવંત સિંઘને ફાંસીની સજા કરાઈ હતી.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ આગળ
પંજાબની ખાદૂર સાહિબ બેઠક પરથી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ આગળ છે. તેઓ આશરે 1 લાખ 50 હજાર મતથી આગળ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંઘ ઝીરા લડી રહ્યા હતા. વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંઘ પર 2023માં રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે.
એન્જિનીયર રાશિદ જમ્મૂ કાશ્મીરની બારામુલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આશરે 1 લાખ 84 હજાર મતથી આગળ છે. તેમની સામે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડી રહ્યા છે. રાશિદના પુત્ર અબરાર રશીદ અને અસરર રશીદ બારામુલામાં તેમના પિતા માટે પ્રચાર કરી રહ્યા હતા. 2019માં રશીદ પર કથિત આતંકવાદી ભંડોળ માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આરોપ મૂકાયો હતો. હાલમાં તેઓ દિલ્લીની તિહાર જેલમાં બંધ છે. અગાઉ 2019ની સંસદીય ચૂંટણીમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.