Lok Sabha Elections Result 2024: પ્રજાએ કોઈને બહુમતી ના આપી, આ જનાદેશ મોદી વિરુદ્ધ: ખડગે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections Result 2024: પ્રજાએ કોઈને બહુમતી ના આપી, આ જનાદેશ મોદી વિરુદ્ધ: ખડગે 1 - image


Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ જણાવ્યું કે, દેશમાં જે ચૂંટણી પરિણામો આવ્યા છે, તેમાં લોકોની અને લોકશાહીની જીત થઈ છે. અમે અગાઉથી જ કહી રહ્યા હતા કે, આ લડાઈ અમારી મોદી વિરુદ્ધ જનતાની છે. દેશના મતદારોએ કોઈપણ પક્ષને બહુમતી આપી નથી. ખાસ કરીને સત્તાધારી પક્ષ, જેઓ માત્ર એક જ ચહેરા પર મત માગતા હતા. આ જમાદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ છે.

સંશાધનોની અછત હોવા છતાં અમે ચૂંટણી લડી : ખડગે

ખડગેએ જણાવ્યું કે, અમારી પાસે સંશાધનોની અછત હોવા છતાં અમે ચૂંટણી લડી. અમારા બેંક એકાઉન્ટે સીઝ કરવામાં આવ્યા, તેમ છતાં અમે લોકોના મુદ્દાઓ ઉઠાવ્યા. ખડગેએ રાહુલ ગાંધીની બંને યાત્રાઓ અને લોકો સાથે કરેલી મુલાકાતને કોંગ્રેસના પ્રચારનો આધાર ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે આ આધાર પર અમારું ગેરંટી કાર્ડ બનાવ્યું અને અમે લોકોને સમજાવવામાં સફળ રહ્યા.

પ્રજાએ કોઈ પક્ષને બહુમતી ન આપી, આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી : ખડગેનું મોટું નિવેદન 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે પ્રજાએ કોઈ પક્ષને બહુમતી નથી આપી. આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી. પીએમ મોદીએ અમારી વિરુદ્ધ જે જુઠ્ઠાણાં ફેલાવ્યાં તે પ્રજાએ નકારી કાઢ્યાં. અમારું અભિયાન સકારાત્મક હતું. અમે લોકોના મુદ્દા ઊઠાવ્યાં. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર આ ચૂંટણી લડી. આ પીએમ મોદીનો નૈતિક પરાજય છે. અમે જનમતનો સ્વીકાર કરીએ છીએ. 

ભાજપે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો

ખડગેએ કહ્યું કે, ભાજપે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. તેમણે લોકોને પણ ધમકાવ્યા અને તેઓ ન માન્યા તો જેલમાં ધકેલી દીધા. આ ઉપરાંત તેમણે પાર્ટીઓ પણ તોડી. લોકો જાણી ગયા હતા કે, જો મોદીને બહુમતી મળશે તો તેનો દુરુપયોગ થશે. ભાજપ આ વખતે ષડયંત્ર રચવામાં સફળ થયું નથી, તેની મને ખુશી છે. પ્રતિક્રિયાના અંતે ખડગેએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ દેશના કરોડો કાર્યકર્તાઓ તથા ઈન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી લડાઈ હજી તેના અંત સુધી પહોંચી નથી, અમારે લોકો માટે, બંધારણની રક્ષા માટે અને વિપક્ષના મુદ્દાઓ માટે લડતા રહેવાનું છે.

આ લડાઈ બંધારણને બચાવવાની હતી : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું કે આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ મોદી વિરુદ્ધ નહોતી પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાને શુભેચ્છા પાઠવવા માગુ છું. અમારા I.N.D.I.A. ગઠબંધને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ ભાજપ, ઈડી, સીબીઆઈ વિરુદ્ધ પણ હતી. તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા. 

રાહુલ ગાંધીએ અદાણીનો ઉલ્લેખ કરી મોદી સરકાર સામે તાક્યું નિશાન 

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ફરી એકવાર અદાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે પણ જોયું હશે કે જેવા જ ભાજપના હારવાના અહેવાલ આવ્યા કે અદાણીના શેરોમાં પણ મોટો કડાકો આવ્યો. તમને આ લિંક સમજાઈ જવી જોઈએ. હવે લોકો આ વાતને સમજવા લાગ્યા છે કે મોદી ગયા તો અદાણી ગયા. 


Google NewsGoogle News