પુરુષોની તુલનાએ મહિલાઓએ મતદાનમાં બતાવ્યો જુસ્સો, ચૂંટણીપંચે 5મા તબક્કાનાં આંકડા જાહેર કર્યા
Lok Sabha Elections 2024 | ચૂંટણી પંચે પાંચમા તબક્કાના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. તેણે જણાવ્યું કે સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાનની ટકાવારી હવે 62.2 ટકા પર પહોંચી ગઈ છે. આ તબક્કામાં પુરૂષો કરતાં મહિલા મતદારોએ મતદાનમાં વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. પુરૂષોના મતદાનની ટકાવારી 61.48 ટકા જ્યારે મહિલાઓની મતદાનની ટકાવારી 63 ટકા રહી હતી. એ પણ ઉલ્લેખનીય છે કે આ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન થયું છે.
49 બેઠકો પર મતદાન થયું હતું
ચૂંટણી પંચે કહ્યું કે પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. જ્યાં 4.69 કરોડ પુરૂષો, 4.26 કરોડ મહિલાઓ અને 5409 વ્યંઢળો સહિત કુલ 8.95 કરોડથી વધુ મતદાતા હતા. બિહાર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પુરુષો કરતાં મહિલાઓની ભાગીદારી વધુ નોંધાઈ હતી.
બિહાર અને ઝારખંડમાં કેવી સ્થિતિ રહી?
બિહાર અને ઝારખંડમાં પુરૂષ-મહિલા મતદાનની ટકાવારીમાં તફાવત ઘણો વધારે હતો. બિહારમાં પુરૂષોની મતદાનની ટકાવારી 52.42 ટકા હતી, જ્યારે મહિલાઓની મતદાનની ટકાવારી 61.58 ટકા હતી. તેવી જ રીતે, ઝારખંડમાં 68.65 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 58.08 ટકા પુરુષોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંગાળમાં, વ્યંઢળ કેટેગરીમાં નોંધાયેલા સૌથી વધુ 38.22 ટકા મતદારોએ મતદાન કર્યું.