દેશમાં સૌથી ઓછા સમય માટે કોની સરકાર ચાલી? 13 જ દિવસમાં વડાપ્રધાને છોડવું પડ્યું હતું પદ
Prime Minister had to resign in just 13 days: દેશમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આવતા જ ભારતમાં એક અલગ જ માહોલ જોવા મળે છે. ખરેખર, ભારતમાં ચૂંટણી માત્ર ચૂંટણી નથી, પણ એક ઉત્સવ છે. વર્ષ 1951-52માં ભારતમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી અને લાંબા સમય સુધી કોંગ્રેસ સરકાર પૂર્ણ બહુમત સાથે સત્તા પર રહી હતી. જ્યારે એક સમય એવો પણ આવ્યો હતો કે દેશમાં ગઠબંધન સરકાર આવી હતી અને ખૂબ જ ઓછા સમય માટે શાસન કર્યું હતું.
દેશમાં ચૂંટણીનો ઇતિહાસ
બ્રિટીશ રાજના અંત પછી, 1951-52માં ભારતમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ, ત્યારબાદ કોંગ્રેસે લાંબા સમય સુધી પૂર્ણ બહુમત સાથે સરકાર જાળવી રાખી હતી. પરંતુ 1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એક એવી ઐતિહાસિક ઘટના ઘટી કે દેશમાં સૌથી ઓછા સમય માટે શાસન કર્યું હતું. આ પછી ભારતીય રાજકારણમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.
પહેલીવાર ભાજપની સરકાર ક્યારે બની હતી?
વર્ષ 1996માં યોજાયેલી 11મી લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવીને વધુ બેઠકો જીતી હતી, પરંતુ પક્ષને બહુમત ન મળતા તે સરકાર બનાવી શકી નહી. આવું પહેલીવાર બન્યું હતું જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. જો કે ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. જેના કારણે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપને રાષ્ટ્રપતિ દ્વારા દેશમાં સરકાર બનાવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
અટલ બિહારી વાજપેયીની સરકાર 13 દિવસમાં પડી ગઈ
માહિતી અનુસાર, આઠ રાષ્ટ્રીય પક્ષો અને 30 રાજ્ય સ્તરીય પક્ષો સહિત 171 નોંધાયેલા પક્ષોએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. કુલ 13,952 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે ઉમેદવારોની સંખ્યા 10 હજારને પાર કરી ગઈ હતી. તેમ છતાં કોઈ જ સ્પષ્ટ બહુમત મળ્યું ન હતું. આ પછી જ રાષ્ટ્રપતિએ લોકસભામાં સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જેમાં ભાજપે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી અને 16 મે 1996ના રોજ વાજપેયીએ વડાપ્રધાન પદ સંભાળ્યું. જોકે, તેમની સરકાર માત્ર 13 દિવસમાં જ ભાંગી પડી હતી.
દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલે પણ સત્તા સંભાળી
અટલ બિહારી વાજપેયી પછી જનતા દળના નેતા એચડી દેવગૌડાએ 1 જૂન, 1996ના રોજ યુનાઈટેડ ફ્રન્ટ ગઠબંધનના બળ પર નવી સરકાર બનાવી, જે માત્ર 18 મહિના જ સત્તામાં રહી. તેમના કાર્યકાળ પછી ઇન્દર કુમાર ગુજરાલે પણ સરકાર બનાવી, પરંતુ તે પણ બહુ ઓછા સમય માટે સત્તામાં રહી હતી.
કાર્યકાળ પૂરો કરનાર બિન-કોંગ્રેસી વડા પ્રધાન
આ પછી 1998ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીએ ફરી એકવાર NDA સરકાર બનાવી હતી. આ વખતે એનડીએમાં સામેલ AIADM ચીફ જયલલિતાએ વિશ્વાસ મત દરમિયાન ભાજપમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. જેના કારણે સરકાર ફરી પડી ગઈ હતી. આ પછી, પછીના વર્ષે એટલે કે 1999માં, ભાજપે 13 પક્ષો સાથે ગઠબંધન કરીને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ 13 ઓક્ટોબર 1999ના રોજ શપથ લીધા હતા. જે બાદ તેમની સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આ રીતે તેઓ વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે. હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે જેમણે બે કાર્યકાળ પૂરો કર્યો છે.