શું ધનિકોના રૂપિયા ગરીબોમાં વહેંચી શકાય? રાહુલ ગાંધીના વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન નિવેદન પાછળ તથ્ય શું?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024માં વિવિધ પક્ષો અનેક નિવેદનો આપી એક-બીજા પર પ્રહાર કરી રહ્યા છે. એવામાં રાહુલ ગાંધીના વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન નિવેદને ખળભળાટ મચાવ્યો છે. જેને લઈને ભાજપ સહિત વિવિધ પક્ષો અને સોશિયલ મીડિયાએ કોંગ્રેસને ટાર્ગેટ બનાવી છે.
શું છે સમગ્ર મામલો
રાજસ્થાનમાં રવિવારે એક રેલીમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજકુંવર કહે છે કે, જો તેમની સરકાર આવી તો તે તપાસ કરશે કે, કોણ કેટલુ કમાય છે, કેટલી સંપત્તિ ધરાવે છે, ત્યારબાદ સરકાર તેની પ્રોપર્ટીને રિડિસ્ટ્રિબ્યૂટ કરશે. મોદીએ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું છે કે, કોંગ્રેસને તક મળી તો તે લોકોની કમાણી ઘુસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચી દેશે. બીજી બાજુ નેતા શામ પિત્રોડાએ પણ વિરાસત ટેક્સ પર નિવેદન આપતાં જાહેરાત કરી હતી કે, વારસાગત સંપત્તિનો 45 ટકા હિસ્સો તેના વારસદારને મળશે, જ્યારે બાકીનો હિસ્સો સરકારમાં જશે. પિત્રોડાએ અમેરિકાના અનેક રાજ્યોના સથવારે આ નિવેદન આપ્યું હતું.
વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન શું છે?
કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રને ટાંકી રાહુલે કહ્યું કે, અમે પહેલાં કાસ્ટ સેન્સેસ કરીશું. જેથી કુલ વસ્તી અને પછાત વર્ગ, એસસી, એસટી, લઘુમતી અને અન્ય જાતિઓનું સ્ટેટસ નિર્ધારિત કરી શકીશું. ફાઈનાન્સિયલ સર્વે બાદ અમે સંપત્તિ, નોકરીઓ અને કલ્યાણલક્ષી યોજનાઓની મદદથી સંપત્તિ ફાળવણી કરવાનું શરૂ કરીશું.
ટેક્સ એ વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશનનો જ એક ભાગ
આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ, તે વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશનનો જ એક ભાગ છે. જે લોકો વધુ કમાણી કરે છે, તેઓને ઓછી આવક ધરાવતા લોકોની તુલનાએ વધુ ટેક્સ ચૂકવવો પડે છે. જેનાથી સમાજમાં અસમાનતા ઘટે છે. કલ્યાણલક્ષી યોજનાઓ શરૂ કરે છે.
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણમાં વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન પર આ અંગે સ્પષ્ટ કોઈ વાત કરવામાં આવી નથઈ. પરંતુ આર્ટિકલ 39નું કહેવુ છે કે, ભૌતિક સંસાધનોનો માલિકી હક અને નિયંત્રણ એવી રીતે થાય કે જેનાથી લોકોનું ભલુ થઈ શકે. રાજ્ય પણ અસમાનતા દૂર કરવા નીતિઓ ઘડી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે વિવાદ
વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન પર વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 23 એપ્રિલે નવ જજોની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી હતી કે, શું ખાનગી સંપત્તિ કોઈપણ સમુદાયની સંપત્તિ માની શકાય. આ મામલે દલીલ કરવામાં આવી હતી કે, આ પગલું નાગરિકોના મૌલિક અધિકારોને આધિન દેશ માટે યોગ્ય નથી. આ પ્રકારની વિચારસરણીનું લોકશાહી દેશમાં કોઈ સ્થાન નથી.
સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ
વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશન અંગે સોશિયલ મીડિયા પર પણ વિવાદ સર્જાયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું તેઓ મહેનત કરવાનું છોડી દે. કારણકે, લોકોની પરસેવાની કમાણી બીજાને મળશે. વિપક્ષના અલગ-અલગ નેતાઓ પણ આ મામલે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. 45 પેજના ઘોષણા પત્રમાં ક્યાંય એકની સંપત્તિ બીજાને વહેંચવા મુદ્દે કોઈ વાત કરવામાં આવી નથી. પરંતુ તે એવી પોલિસી ઘડવા માગે છે, જેમ કે અમીર-ગરીબ વચ્ચે અસમાનતા ઘટે.