દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર વારાણસીથી લડશે ચૂંટણી, વડાપ્રધાન મોદી અંગે કરી દીધી મોટી વાત
Image Twitter |
Lok Sabha Elections 2024 : સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણી 2024નો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ક્યાંક કોઈના નામ પર વિરોધ થઈ રહ્યો છે, તો ક્યાંક નામ બદલવામાં આવ્યા છે. તો આજે દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સાખી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ હેમાંગી સખીને બનારસથી ટિકિટ આપી છે. તે 12 એપ્રિલે બનારસ પહોંચશે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
મહામંડલેશ્વર હેમાંગી સખીએ કહ્યું કે સમગ્ર દેશમાં કિન્નર સમુદાયની સ્થિતિ દયનીય છે. કિન્નર સમુદાય માટે એક પણ સીટ અનામત રાખવામાં આવી નથી. કિન્નર સમુદાય લોકસભા અને વિધાનસભામાં તેમની વાત કેવી રીતે રજૂ કરશે? કિન્નર સમાજનું નેતૃત્વ કોણ કરશે? કિન્નર સમાજની ભલાઈ માટે મેં ધર્મમાંથી રાજકારણ તરફ આવી રહ્યો છું.
અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નથી : હેમાંગી સખી
હેમાંગી સખીએ કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નથી, તેમણે પણ ધર્મનું કામ કર્યું છે. અમારો પ્રયાસ માત્ર એટલો જ છે કે, અમારી વાત સરકાર સુધી પહોંચે. એટલા માટે વારાણસી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અર્ધનારીશ્વરને ભૂલી ગઈ સરકાર
મહામંડલેશ્વરે કહ્યું કે સરકારે 'બેટી બચાવો બેટી પઢાવો' ના નારા આપ્યા છે. અમે તેની કદર કરીએ છીએ, દીકરીઓ જગત જનનીનું સ્વરુપ છે, પરંતુ સરકાર અર્ધનારીશ્વરને ભૂલી ગઈ છે. આ સુત્ર અમે પણ સાંભળવા માંગીએ છીએ, એ દિવસ ક્યારે આવશે? કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર પોર્ટલ બહાર પાડ્યું છે પરંતુ શું કિન્નરોને તેના વિશે ખબર છે? જે લોકો રસ્તા પર ભીખ માંગે છે, તેમને ખબર જ નથી કે તેમના માટે કોઈ પોર્ટલ છે.
સરકારે કિન્નર સમાજ માટે બેઠકો અનામત રાખવી પડશે
તેમણે સવાલ કર્યો હતો કે, જ્યારે સરકારે પોર્ટલ બહાર પાડ્યું ત્યારે તેનો પ્રચાર કેમ ન કર્યો? ટ્રાન્સજેન્ડર બોર્ડ બનાવવાથી કાંઈ જ નથી થતું. સરકારે કિન્નર સમાજ માટે બેઠકો અનામત રાખવી પડશે, ત્યાર બાદ જ પરિસ્થિતિ બદલાશે.
દેશની દરેક પાર્ટીએ આ પહેલ કરવી પડશે
જો આજે ભાજપ સરકારે કિન્નરો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા હોત તો કદાચ મહામંડલેશ્વર હેમાંગી સખીએ આ પગલું ભરવાનો વારો ન આવત. તે કહે છે કે, 'હિંદુ મહાસભાએ કિન્નરોને તેમની મુખ્ય ધારામાં લાવવા માટે અને સમાજ સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે મને ઉમેદવાર જાહેર કર્યો છે. અને આ પહેલ દેશની દરેક પાર્ટીએ કરવી પડશે.'